સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને આગામી 36 કલાકમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારા આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચ અને બિહાર પોલીસની સંયુક્ત ટીમે ઝડપી પાડ્યો છે. આરોપીની હાલમાં પુછપરછ કરવામાં આવી રહી છે.
સુરત ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને મોબાઇલ ઇન્ટરનેટનો ઉપયોગ કરીને ફોન કરી આગામી 36 કલાકમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. બિહાર સચિવાલય પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવતા યુવાનનું લોકેશન સુરતમાં મળ્યું હતું. જેથી બિહાર પોલીસની એક ટીમ સુરત દોડી આવી હતી અને સુરત પોલીસ કમિશનરનો સંપર્ક કરીને આ યુવાનને ઝબ્બે કરવા માટે કવાયત હાથ ધરી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આ તપાસમાં જોડાઇ હતી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે તપાસ કરતા યુવાનનું નામ અંકિત કુમાર મિશ્રા હોવાનું ધ્યાન પર આવ્યું હતું. પોલીસે લસકાણા ખાતે છાપો મારી અને અંકિત મિશ્રાને ઝડપી પાડ્યો હતો. તેની પુછપરછ કરતા આરોપી અંકિતકુમારે ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે. તે સુરતમાં છેલ્લાં છ વર્ષથી રહે છે. જ્યારે તેનું મૂળ વતન બિહારના વૈશાલી જિલ્લાના મધુસૂદન ગામનો રહેવાસી છે. સુરતના લસકાણા ખાતે આવેલા લુમ્સના કારખાનામાં મજૂરી કામ કરે છે. હાલમાં બિહાર પોલીસ તેને લઇને પટના જવા રવાના થઇ છે અને તેની વધુ તપાસમાં તે કોઇ રાજકીય પક્ષ સાથે સંકળાયેલો છે કે, કોઇ ભાંગફોડ કરનારા સંગઠન સાથે તેની તપાસ કરવામાં આવશે.
• Share •