Page Views: 2400

ચેમ્બર ખાતે બીઆઇએસ– સુરતના અધિકારીઓએ ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોને પોલિએસ્ટર ફાયબર્સના કવોલિટી કન્ટ્રોલ ઓર્ડર વિષે માહિતગાર કર્યા

બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્‌સ– સુરતના સિનિયર ડાયરેકટર અને હેડ એસ. કે. સિંઘ તથા જોઇન્ટ ડાયરેકટર શીખા રાણાએ ઉદ્યોગકારોને વિસ્તૃત સમજણ આપી વહેલી તકે બીઆઇએસ માટે અરજી કરવા અનુરોધ કર્યો

સુરત. વર્તમાન ન્યૂઝ.કોમ

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની યાર્ન મેન્યુફેકચરર અને વિવિંગ કમિટી તથા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્‌સ– સુરત બ્રાંચ ઓફિસના સંયુકત ઉપક્રમે સોમવાર, તા. ર૦ માર્ચ ર૦ર૩ ના રોજ સાંજે પઃ૩૦ કલાકે સમૃદ્ધિ બિલ્ડીંગ, નાનપુરા, સુરત ખાતે QCO of Polyester Fibers વિષય પર ઔદ્યોગિક જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્‌સ– સુરતના સિનિયર ડાયરેકટર અને હેડ એસ. કે. સિંઘ તથા જોઇન્ટ ડાયરેકટર શીખા રાણાએ ઉદ્યોગકારોને પોલિએસ્ટર અને ટેક્ષ્ટાઇલ્સ અંગેના કવોલિટી કન્ટ્રોલ ઓર્ડર વિષે માહિતગાર કર્યા હતા. ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, ઇન્ડસ્ટ્રી માટે અત્યારે તુરંત કવોલિટી કન્ટ્રોલ ઓર્ડરને અનુસરવાનું થોડું મુશ્કેલ છે પણ ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોએ પોતાના ઉત્પાદનો અને સેવાને વિશ્વના જુદા–જુદા ખૂણે સુધી પહોંચાડવા માટે કેટલાક સ્ટાન્ડર્ડસને અનુસરવા પડશે. આ સંદર્ભે ચેમ્બર ઓફ કોમર્સના માધ્યમથી વિવિધ ઓથોરિટી સાથે ચર્ચા કરાઇ રહી છે અને ઇન્ડસ્ટ્રીની મુશ્કેલીઓને દૂર કરવા રજૂઆતો પણ કરવામાં આવી રહી છે.  બીઆઇએસ– સુરતના સિનિયર ડાયરેકટર અને હેડ એસ.કે. સિંઘે જણાવ્યું હતું કે, ભારત સરકારના કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ મંત્રાલયે ટેક્ષ્ટાઇલમાં પોલિએસ્ટર યાર્ન સંબંધિત પાંચ પ્રોડકટ પર કવોલિટી કન્ટ્રોલ ઓર્ડર જારી કર્યો છે. જેનો અમલ ગત તા. ૩ ઓકટોબર ર૦રર થી થવાનો હતો, પરંતુ હવે આ કવોલિટી કન્ટ્રોલ ઓર્ડરનો અમલ આગામી તા. ૩ એપ્રિલ ર૦ર૩ થી કરવામાં આવશે. આ અંગે ટેકિનકલ મુશ્કેલી સંદર્ભે રજૂઆત કરવા અને તેના નિરાકરણ માટે બીઆઇએસ તરફથી તમામ પ્રયાસો કરવામાં આવશે તેની ખાતરી તેમણે ઉદ્યોગકારોને આપી હતી.  ઉત્પાદકોને બીઆઇએસ સર્ટિફિકેશન મેળવવા માટે જે જરૂરિયાતો તથા ઇકવીપમેન્ટ હોવા જોઇએ તેના સંદર્ભે તેમણે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ઔદ્યોગિક એકમ ખાતે પોલિએસ્ટર યાર્ન બનાવવા માટેની સુવિધા હોવી જોઇએ, પ્રોસેસ કન્ટ્રોલ એકસરસાઇઝ કરવાની છે, ટેસ્ટીંગ માટે બીઆઇએસ રેકગ્નાઇઝ લેબમાંથી મંજૂર થયેલા ટેસ્ટ ઇકવીપમેન્ટ હોવા જોઇએ અને કવોલિફાઇડ ટેસ્ટીંગ પર્સન હોવો જોઈએ.  બીઆઇએસ સર્ટિફિકેશન મેળવવા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. એના માટે યુઝર આઇડી રજિસ્ટર્ડ કરીને અરજી સબમીટ કરવાની રહેશે તેમ તેમણે ઉદ્યોગકારોને જણાવ્યું હતું. ત્યારબાદ અરજીઓ સ્કુ્રટીનાઇઝ કરીને બીઆઇએસની ટીમ ફેકટરીની મુલાકાત લેશે. ટીમ દ્વારા એકત્રિત કરાયેલા સેમ્પલ લેબમાં મોકલવામાં આવે છે અને સેમ્પલ પાસ થયા બાદ બીઆઇએસ સર્ટિફિકેટ આપવામાં આવે છે. આથી તેમણે બીઆઇએસ માટે વહેલી તકે અરજી મોકલવા ઉદ્યોગકારોને અનુરોધ કર્યો હતો. તેમણે પ્રેકિટકલ ડેમોન્સ્ટ્રેશન સાથે ઓનલાઇન પોર્ટલ manakonline.in પર રજિસ્ટ્રેશન અને એપ્લીકેશન કરવાની સમજણ આપી હતી.  બીઆઇએસ– સુરતના જોઇન્ટ ડાયરેકટર શીખા રાણાએ બીઆઇએસ દ્વારા કાપડ ઉત્પાદનોની વિવિધ પ્રોડકટ્‌સ અંગે જે સ્ટાન્ડર્ડાઇઝેશન અને કવોલિટી સર્ટિફિકેશન આપવામાં આવે છે તેના વિષે ઉદ્યોગકારોને વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત IS 1726:2022 માં દર્શાવેલા ૧૦૦ ટકા પોલિએસ્ટર સ્પન ગ્રે અને વ્હાઇટ યાર્ન સ્પેસિફિકેશન તથા IS 1787:2022 માં દર્શાવેલા પોલિએસ્ટર ટેક્ષ્ચ્યુરાઇઝડ યાર્ન સ્પેસિફિકેશન વિષે સમજણ આપી હતી. તેમણે બીઆઇએસ મેળવવા માટે જરૂરી બાબતોની માહિતી આપી એના ઇકવીપમેન્ટ વિષે પણ જાણકારી આપી હતી.  ચેમ્બરના ગૃપ ચેરમેન ગિરધરગોપાલ મુંદડાએ કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, બીઆઇએસ સર્ટિફિકેટ મેળવવા માટે ઉદ્યોગકારો પાસે ઘણો ઓછો સમય રહયો છે ત્યારે આવા સંજોગોમાં કવોલિટી કન્ટ્રોલ ઓર્ડરના અમલને એક વર્ષ માટે લંબાવવો જોઇએ. તેમણે અધિકારીઓ સમક્ષ આરસેપનો દાખલો પણ રજૂ કર્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય ઉદ્યોગકારોએ પણ પોલિએસ્ટર યાર્નના કવોલિટી કન્ટ્રોલ ઓર્ડરને સમજવાની બાબત ઘણી જટિલ હોવાનું જણાવ્યું હતું. ઉદ્યોગકારોએ બીઆઇએસના અધિકારીઓને પોલિએસ્ટર યાર્નના કવોલિટી કન્ટ્રોલ ઓર્ડરને લંબાવવા માટે અનુરોધ કર્યો હતો. 

ચેમ્બરના માનદ્‌ મંત્રી ભાવેશ ટેલર અને પ્રોગ્રામ કન્વીનર નૈનેષ પચ્ચીગરે વકતાઓનો પરિચય આપ્યો હતો. ચેમ્બરના માનદ્‌ ખજાનચી ભાવેશ ગઢીયાએ ઉપસ્થિત સર્વે ઉદ્યોગકારોનો આભાર વ્યકત કર્યો હતો. ચેમ્બરના ગૃપ ચેરમેન વિજય મેવાવાલાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. બીઆઇએસના અધિકારીઓએ ઉદ્યોગકારોના વિવિધ સવાલોના જવાબો આપ્યા હતા અને ત્યારબાદ કાર્યક્રમનું સમાપન થયું હતું.