Page Views: 5547

સુરતમાં H3N2 અને કોરોના પર નજર રાખવા કંટ્રોલ રૂમ શરૂ કરાયો

સમીક્ષા બેઠક મળ્યા બાદ લેવાયો નિર્ણય- શહેરમાં કોરોનાના નવા છ કેસ સામે આવ્યા

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ

સુરત શહેરમાં H3N2 અને કોરોનાના કેસમાં આગામી દિવસોમાં વધારો થવાની સંભાવનાઓ છે. આવા સંજોગોમાં સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા H3N2 અને કોરોના માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.

સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓની સમીક્ષા બેઠક મળી હતી. જેમાં સુરતમાં આગામી દિવસોમાં કોરોનાના કેસ વધે તો તંત્રની શું તૈયારી છે તેમજ જો H3N2ના કેસમાં વધારો થાય તો શું તૈયારી આવશ્યક છે તેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વિચારણાના અંતે સુરત શહેરમાં એક કંટ્રોલ રૂમ શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યુ છે. મગદલ્લા રોડ ખાતે આઇસીસીસી બિલ્ડીંગ ખાતે આ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે અને શહેરીજનોને આ સ્થળ પરથી તમામ વિગતો મળી રહેશે. સાથો સાથ શહેરમાં કોરોનાની સ્થિતિ ઉપર પણ નજર રાખવામાં આવશે. કંટ્રોલ રૂમ ખાતેથી જ પેન્ડેમીકનું મોનિટરીંગ કરવામાં આવશે. શહેરમાં 120 ડોક્ટરો અને 650 પેરા મેડીકલ સ્ટાફને પણ સ્ટેન્ડ બાય રાખવા સાથે તેમને તાલીમ આપવામાં આવી હોવાનું સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગે જણાવ્યુ છે.