Page Views: 6576

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે 1262 પાનાની ચાર્જશીટ- ઓરેવા ગ્રુપના એમ ડી જયસુખ પટેલનું નામ લાલ અક્ષરોમાં દર્શાવાયુ

જયસુખ પટેલની આગોતરા જામીન અરજી અંગે આગામી 1લી ફેબ્રુઆરીએ સુનાવણી હાથ ધરાશે

મોરબી-વર્તમાન ન્યૂઝ.કોમ

સમગ્ર દેશમાં હાહાકાર મચાવનારા મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે 1262 પાનાંની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. મોરબીની સેશન્સ કોર્ટમાં પોલીસ દ્વારા આ ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. ત્યારે આ કેસમાં અત્યાર સુધીમાં આ કેસમાં 9 લોકોની ધરપકડ થઈ છે. જેમાં આજે રજૂ કરાયેલી ચાર્જસીટમાં મુખ્ય આરોપી તરીકે ઓરેવા ગ્રુપના MD જયસુખ પટેલનું નામ ઉમેરવામાં આવ્યું છે. જોકે જયસુખ પટેલે આ મામલે કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરેલી છે. જેની સુનવણી 1લી ફેબ્રુઆરીના રોજ થવાની છે. 30 ઓક્ટોબરના રોજ મોરબીનો ઝૂલતા પુલ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા. મોરબી પોલીસે ઝૂલતો પુલ દુર્ઘટનામાં આજે પોલીસે ચાર્જશીટ ફાઈલ કરી છે. મોરબી સીટી બી-ડિવિઝન પોલીસ મથકના ગુના નં 2003/2022ની ઈ.પી.કલમ 304, 308, 336, 337, 338 અને 114 મુજબ ગુનો નોંધી પોલીસે નવ આરોપીની ધરપડક કરી હતી. જે તમામ આરોપીઓના સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટે જામીન નામંજૂર કરેલા. જેથી તમામ આરોપી હાલ જ્યુડીશ્યલ કસ્ટડી હેઠળ મોરબી સબ જેલમાં છે. જે કેસની તપાસમાં ઝુલતા પુલનું સંચાલન કરતી ઓરેવા ગ્રુપના એમડી જયસુખભાઈ પટેલ વિરુદ્ધ તપાસ દરમિયાન પૂરતા પુરાવા મળી આવ્યા હતા. જેથી તેમના સંભવિત આશ્રય સ્થાનો પર તપાસ કરાવતા મળી આવ્યા ના હોવાથી નામદાર કોર્ટ દ્વારા સીઆરપીસી કલમ 70 મુજબનું વોરંટ મેળવ્યું છે. તેમજ અટક કરેલા નવ આરોપીઓ વિરુદ્ધ નામદાર કોર્ટમાં આજે ચાર્જશીટ નંબર 30/2023 તથા સી.સી.નંબર 675/2023થી દાખલ કરવામાં આવેલી છે. જે ચાર્જશીટમાં ઓરેવા ગ્રુપ મોરબીના મેનેજિંગ ડિરેક્ટરને લાલ શાહીથી દર્શાવવામાં આવેલા છે. જે ચાર્જશીટમાં કુલ 367 ઇસમોને સાહેદો તરીકે દર્શાવવામાં આવ્યા છે. કુલ 1262 પેજનું ચાર્જશીટ રજુ કરવામાં આવ્યું છે. ઝૂલતો પુલ દુર્ઘટનામાં ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ વિરુદ્ધ કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું. જયસુખ પટેલે કરેલી આગોતરા જામીન અરજીમાં મુદ્દત પડી છે અને હવે 1 ફેબ્રુઆરીના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે. ત્યારે તેમના પર ધરપકડની તલવાર લટકી રહી છે. તા.1 ફેબ્રુઆરીના રોજ તેમની આગોતરા જામીન અરજી મંજુર કરાય છે. કે પછી તે પૂર્વે જ તેમની ધરપકડ કરવામાં આવે છે તે જોવાનું રહ્યું. હાલમાં પોલીસ પણ આ મામલે થોભો અને રાહ જુવોની નીતિ અપનાવીને ચાલતી હોય એવુ લાગી રહ્યુ છે.