ગાંધીનગર-વર્તમાન ન્યૂઝ.કોમ
કોળી સમાજની દીકરીએ મંત્રી કુંવરજી બાવળિયાની હોસ્ટેલમાં આત્મહત્યા કરી લેતા સમગ્ર કોળી સમાજમાં ચકચાર મચી ગઇ છે. સમગ્ર ઘટના અંગે અનેક વાતો થઇ રહી છે ત્યારે આ મામલે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પત્ર લખી તપાસની માંગણી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના વીંછિયા તાલુકાના છાસીયા ગામની કાજલ મુકેશભાઈ જોગરાજીયા મંત્રી કુંવરજી બાવળિયાના શૈક્ષણિક સંકુલમાં ધો.10માં અભ્યાસ કરતી હતી. 23 જાન્યુઆરીના રોજ કાજલે આત્મહત્યા કરી લીધી હતી. જોકે, આ બનાવમાં હવે કોળી વિકાસ સંગઠન ગુજરાતના સ્થાપક અને કોળી સમાજના આગેવાન મુકેશભાઈ રાજપરાએ કાજલના મોતને શંકાસ્પદ ગણાવ્યું છે. તેઓએ આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી સચોટ કારણ અને સંપૂર્ણ તપાસ થાય તેવી માગ કરી છે. મુકેશભાઈએ પત્રમાં આક્ષેપ કર્યો છે કે, દીકરીનું શોષણ કરી મોતને ઘાટ ઉતારી હોય તેવું મને લાગે છે. મુકેશભાઈએ પત્રમાં જણાવ્યું છે કે, કાજલ કુંવરજીભાઈ બાવળિયાના શૈક્ષણિક સંકુલમાં ધો. 10માં અભ્યાસ કરતી હતી અને ત્યાં જ હોસ્ટેલમાં રહેતી હતી. અચાનક 23 જાન્યુઆરીના રોજ રાત્રિના સમયે મુકેશભાઈ જોગરાજીયાને કુંવરજીભાઈએ પોતે જ ટેલિફોનિક જાણ કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, તમે વીંછિયા સરકારી દવાખાને આવો. આ બાદ તેઓએ બીજી કોઈ વાત કરી ન હતી. આથી રાત્રિના સમયે હું અને મુકેશભાઈ જ્યારે વીંછિયા સરકારી દવાખાને પહોંચ્યા તો ત્યાં મારી દીકરી મૃત હાલતમાં પડી હતી. મુકેશભાઈએ પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, બાદમાં મને મૌખિક જાણ કરવામાં આવી કે, તમારી દીકરીએ કુંવરજી બાવળિયાની આદર્શ માધ્યકિમ શાળાના સંકુલમાં ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે, જેથી મુત્યુ થયું છે. પરંતુ જ્યાં મુત્યુ થયું ત્યાં નથી તો પોલીસ પહોંચી કે નથી અમને જાણ કરી બોલાવવામાં આવ્યા, ડાયરેક્ટ સરકારી દવાખાને લઈ જઈને પોલીસ અને પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. જેની માત્ર મૌખિક વાત કરવામાં આવી હતી. આ અંગે નથી કોઈ પુરાવા કે વીડિયો ફૂટેજ, અમારી દીકરીએ કોના ડરથી કે કોના ત્રાસથી આવું પગલું ભર્યું તે અંગે અમને સચોટ માહિતી પણ આપવામાં આવી નથી.
મુકેશભાઈએ પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, આથી અમને અમારી દીકરીને ખૂબ જ ત્રાસ આપ્યો હોય અથવા તો દીકરીનું શોષણ કરી તેને મોતને ઘાટ ઉતારવામાં આવી હોય એવું અમને લાગે છે. કારણ કે ત્યાં બનાવના સ્થળે તે સમયે અન્ય લોકોને પણ જવા દેવામાં આવ્યા ન હતા. પરિવારજનોને પણ ત્યાં મૃતક પાસે સ્થળ પર લઈ જવામાં આવ્યા નથી. જેથી કરીને અમને આ કાજલનું કરૂણ મોત શંકાસ્પદ લાગે છે. જેથી આ ઘટના પાછળનું સચોટ કરણ અને સંપુર્ણ તપાસ કરવામાં આવે એવી અમારી માંગ છે મુકેશભાઈએ વાતચીત કરતા જણાવ્યું હતું કે, આજે અમે આ કેસમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. દીકરીએ આત્મહત્યા કરી હોય તો આત્મહત્યાના સ્થળ પર નથી પોલીસને જવા દીધી કે નથી તો ઘટનાસ્થળે દીકરીના વાલીઓને બોલાવવામાં આવ્યા. આ દીકરી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ આપવામાં આવે છે. પરંતુ ખરેખર આ કાજલના મૃત્યુ પાછળ આ લોકો કઈકને કઈક છૂપાવવાના પ્રયાસ કરતા હોય તેવું લાગી રહ્યું છે. હાલ આ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલી રહી છે અને કોળી સમાજમાં પણ સમગ્ર ઘટનાની જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે.
• Share •