Page Views: 7101

GJEPCના અગ્રણીઓ દ્વારા બજેટમાં ડાયમંડ પરની ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવા રજૂઆત

મંત્રી મનસુખ માંડવિયા, પુરૂષોત્તમ રૂપાલા અને રાજ્ય મંત્રી દર્શના જરદોષને પ્રિ બજેટ મેમોરેન્ડમ અપાયું

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ

જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલ જીજેઈપીસી ગુજરાત રીઝ્યનના પ્રમુખ  વિજયભાઈ માંગુકિયા અને આઈડીઆઈના ચેરમેન દિનેશભાઈ નાવડિયાના નેતૃત્વમાં જીજેઈપીસીના પ્રતિનિધિમંડળે દીલ્હીની મુલાકાત લીધી હતી.  સાથે જીજેઈપીસીના રજતભાઈ વાણી તથા મનિષભાઈ કાપડીયા પણ જોડાયા હતા. દિલ્હીમાં આ પ્રતિનિધી મંડળે કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા, દર્શનાબેન જરદોશ તથા મનસુખભાઈ માંડવીયાને રૂબરૂ મળી આગામી બજેટમાં હીરા અને ઝવેરાત ઉદ્યોગની અન્ય કેટલીક માંગણીઓ આગામી બજેટમાં પરિપુર્ણ કરવા અસરકારક રજુઆત કરી હતી. પરષોત્તમભાઈ રૂપાલા, દર્શનાબેન જરદોશ તથા મનસુખભાઈ માંડવીયાએ જીજેઈપીસીના પ્રતિનિધિમંડળ દ્વારા કરવામાં આવેલી આ રજુઆતને ઉમદા પ્રતિસાદ આપ્યો હતો અને હીરા તથા ઝવેરાત ઉદ્યોગને લગતા વિવિધ પ્રશ્નો અને મુદ્દાઓનો વહેલામાં વહેલી તકે ઉકેલ લાવવા માટે સંબંધિત મંત્રી અને ઓથોરિટીમાં આ અંગે યોગ્ય કરવાની ખાત્રી આપી હતી.તેઓએ હીરા ઉદ્યોગમાં ઇક્વલાઇઝેશન લેવીની પડતી ચોક્કસ અસર અંગે કેટલાક વધુ ડેટા માંગ્યા છે. જેને અનુલક્ષીને GJEPC આ મુદ્દે તમામ ડેટા એકત્રીત કરી નવેસરથી વહેલી તકે સબમિટ કરશે.જ્યારે દર્શનાબેન જરદોશે પ્રતિનિધિમંડળને માહિતી આપી હતી કે તેઓ આ બાબતે પહેલા થી જ વાકેફ છે અને સંબંધિત અધિકારીઓ સાથે વાત કરી ચૂક્યા છે. માંડવિયાએ આ બાબતે વિગતવાર ચર્ચા કરી હતી અને તમામ પાસાઓને સમજ્યા હતા.તેમણે માહિતી આપી હતી કે તેઓ આ મુદ્દાનો વધુ ઉંડાણપૂર્વક અભ્યાસ કરશે અને સંબંધિત અધિકારીઓ સાથે આ મુદ્દો ઉઠાવવાની ખાતરી આપી હતી.આમ જીજેઈપીસીના પ્રતિનિધિમંડળની દીલ્હી મુલાકાત અને રાજસ્વી મહાનુભાવો સાથેની બેઠક ખૂબ ફળદાયી રહી હોવાનું જાણવા મળી રહ્યુ છે. 

બજેટમાં ડાયમંડની આયાત જકાત ઘટાડવા જોગવાઇ કરવા માંગણી

સુરત દુનિયાભરમાં ડાયમંડ હબ તરીકે જાણીતું  છે.રફ ડાયમંડ પરની ઉંચી આયાત જકાત અને કેટલીક વિસંગત નીતિઓને કારણે ડાયમંડ પોલિશિંગના એકમોને મુશ્કેલી પડી રહી છે.  માટે જીજેઇપીસી આગામી બજેટ 2023માં કેટલીક રાહતજનક ઘોષણા થાય તેવી અપેક્ષા રાખી રહ્યું હોવાની રજૂઆત પણ કરવામાં આવી હતી. ખાસ કરીને ડાયમંડની આયાત પરની ડ્યુટીમાં રાહત આપવામાં આવે એ આવશ્યક છે. જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ્સ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) ના ગુજરાત રિજનના ચેરમેન વિજય માંગુકિયા એ જણાવ્યું હતું કે,  કે આ વખતના બજેટ 2023 માં હીરા અને ઝવેરાત ઉદ્યોગને ઘણી અપેક્ષા રાખવામાં આવી રહી છે.અમે કટ-પોલિશ્ડ ડાયમંડ પરની ઇમ્પોર્ટ ડ્યૂટી હાલના 5 ટકાથી ઘટાડીને અઢી ટકા કરવા સરકારને ભલામણ કરી છે.તેવી જ રીતે સોના, ચાંદી અને પ્લેટિનમ જેવી કિંમતી ધાતુઓની આયાત જકાત પણ 12.5 ટકાથી ઘટીને 4 ટકા થાય તેવી અપેક્ષા રાખી રહ્યા છીએ.

આ છે હીરા ઉદ્યોગની મુખ્ય માંગણીઓ અને રજૂઆત ..

  • કટ અને પોલિશ્ડ ડાયમંડ પરની ઇમ્પોર્ટ ડ્યૂટી પાંચ ટકા થી ઘટાડીને અઢી ટકા કરવી
  • સ્પેશિયલ નોટિફાઈડ ઝોનમાં રફ હીરાના વેચાણની મંજૂરી આપો.
  • રફ ડાયમંડના વેચાણ પર 2 ટકા ઇક્વલાઇઝેશન ટેક્સ(લેવી)માંથી મુક્તિ/સ્પષ્ટતા
  • ડાયમંડ ઈમ્પ્રેસ્ટ લાઇસન્સ CPD ના નિકાસકારને નિકાસની જવાબદારીઓ સામે ચોક્કસ પ્રમાણમાં CPDની આયાત કરવાની મંજૂરી આપો.
  • લેબ ગ્રોન ડાયમંડ બનાવવા માટે વપરાતા સીડ્સ પરની ઇમ્પોર્ટ ડ્યૂટી નાબૂદ કરવી,લેબગ્રોન ડાયમંડ બનાવવામાં વપરાતી મશીનરીની આયાત પરની જકાત દૂર કરો
  • કટ અને પોલિશ્ડ જેમ્સસ્ટોન (કલર ડાયમંડ) પરની આયાત જકાત પાંચ ટકાથી ઘટાડીને અઢી ટકા કરવી
  • કિંમતી ધાતુઓ જેવી કે સોના/ચાંદી/પ્લેટિનમ પરની આયાત જકાતને હાલના 12.5 ટકાથી ઘટાડીને 4 ટકા કરવી, GST રિફંડ જેવી જ EDI સિસ્ટમ દ્વારા “રેટ્સ અને ટેક્સ રિફંડ” મિકેનિઝમની શરૂઆત કરવી અને નિકાસના સમયે ડ્યુટી ડ્રો બેકનો રેટ ઇમ્પોર્ટ ડ્યુટીને અનુરૂપ હોવો જોઈએ.સોના/ચાંદી/પ્લેટિનમ જ્વેલરી પરની બેઝિક કસ્ટમ ડ્યુટીને હાલના 20 ટકા થી વધારીને 25 ટકા કરવી.