Page Views: 6005

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બાંગ્લાદેશ ખાતે આયોજિત ઇન્ડિયા ટેક્ષ્ટાઇલ ટ્રેડ ફેરને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો

એકઝીબીશનમાં ૩પ૦૦ થી વધુ જેન્યુન બાયર્સ અને ગારમેન્ટ મેન્યુફેકચરર્સ સુરતના વિવિધ ફેબ્રિકસ માટે ઇન્કવાયરી આપી સેમ્પલ લઇ ગયા : ચેમ્બર પ્રમુખ હિમાંશુ બોડાવાલા

સુરત. વર્તમાન ન્યૂઝ.કોમ

 ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે યોજાતી પ્રદર્શનોની શ્રેણી અંતર્ગત તા. ૧૧ થી ૧૪ જાન્યુઆરી, ર૦ર૩ દરમિયાન ઇન્ટરનેશનલ કન્વેન્શન સિટી, બસુંધરા, ઢાકા, બાંગ્લાદેશ ખાતે પ્રથમ વખત ચાર દિવસીય ‘ઇન્ડિયા ટેક્ષ્ટાઇલ ટ્રેડ ફેર– ર૦ર૩’નું આયોજન કરવામાં આવ્યું હતું.આ એકઝીબીશનમાં સુરતના ૬૦ જેટલા એકઝીબીટર્સની સાથે ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલા, ઉપ પ્રમુખ રમેશ વઘાસિયા, માનદ્‌ મંત્રી ભાવેશ ટેલર, માનદ્‌ ખજાનચી ભાવેશ ગઢીયા તથા ‘ઇન્ડિયા ટેક્ષ્ટાઇલ ટ્રેડ ફેર– ર૦ર૩’ના ચેરમેન અમિષ શાહ અને કો–ચેરમેન હર્ષલ ભગત તેમજ બાંગ્લાદેશ ખાતેના ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ બિન્તી જહાને પ્રદર્શનમાં હાજરી આપી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા સુરત ખાતે યોજાનારા વિવિધ એકઝીબીશનોની સફળતા માટે સુરતના સાંસદ તેમજ ભારતના ટેક્ષ્ટાઇલ્સ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશ તરફથી હમેશા પ્રોત્સાહન મળતું આવ્યું છે. તેમણે બાંગ્લાદેશ ખાતે સુરતના વિવિધ ફેબ્રિકસના એક્ષ્પોર્ટ માટે ઘણી સારી તકો હોવાથી બાંગ્લાદેશ ખાતે સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોને ગ્લોબલી પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી આંતરરાષ્ટ્રીય કક્ષાના એકઝીબીશનના આયોજન માટે ચેમ્બર ઓફ કોમર્સને પ્રેરણા આપી હતી. જેને કારણે ચેમ્બર દ્વારા બાંગ્લાદેશ ખાતે ‘ઇન્ડિયા ટેક્ષ્ટાઇલ ટ્રેડ ફેર’ યોજાયું હતું.

બાંગ્લાદેશ ખાતે યોજાયેલા આઇટીટીએફ એકઝીબીશનમાં ભાગ લેનારા સુરતના કાપડ ઉત્પાદકો તેમજ મશીનરી મેન્યુફેકચરર્સને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો. કારણ કે, બાંગ્લાદેશ ખાતે તેઓ પોતાની પ્રોડકટનું સીધું પ્રદર્શન કરી શકયા હોવાથી તેઓને સ્થાનિક જેન્યુન બાયર્સની સાથે સંપર્ક થયો હતો. એટલું જ નહીં બાંગ્લાદેશના ગારમેન્ટ મેન્યુફેકચરર્સની સાથે પણ તેઓ સીધા સંપર્કમાં આવ્યા છે. તદુપરાંત સુરતના કાપડ ઉત્પાદકો સાથે બાંગ્લાદેશના સ્થાનિક ગારમેન્ટ ઉત્પાદકોએ વન ટુ વન મિટીંગો પણ કરી હતી, આથી તેઓની સ્થાનિક બાયર્સની સાથે સારી કનેકટીવિટી થઇ શકી હતી અને તેઓને ઘણા સારા બિઝનેસની સીધી પ્રપોઝલ પણ મળી હતી. જેના થકી તેઓને ભવિષ્યમાં ખૂબ જ સારો બિઝનેસ મળી રહેશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં સુરતના ત્રણ મશીન મેન્યુફેકચર્સોએ પણ ભાગ લીધો હતો. ચાઇના તથા યુરોપિયન મશીનરીની તુલનામાં તેમની મશીનરી સસ્તી હોવાથી બાંગ્લાદેશના બાયર્સોને તેઓની મશીનરીમાં ઘણો રસ પડયો હતો, આથી એકઝીબીટર્સને મશીનરી માટે સ્થળ પર જ સારા ઓર્ડર્સ મળ્યાં હતાં અને ઘણી સારી ઇન્કવાયરી પણ જનરેટ થઇ હતી. સાથે જ એન્સીલરીના પણ ઘણા સારા ઓર્ડર મળ્યાં હતાં. કેટલાક બાયર્સે એકઝીબીટર્સને એડવાન્સ પેમેન્ટ પણ આપી દીધું હતું. મશીનરી ઉત્પાદકોને આગામી દિવસોમાં ૧૦૦ જેટલી મશીનરીના કન્ફર્મ ઓર્ડર્સ મળી જશે તેમ એકઝીબીટર્સો તરફથી જાણવા મળ્યું હતું.

સુરતના ઉદ્યોગકારો સાડી તથા મેન્સ, કીડ્‌ઝ અને લેડીઝ ગારમેન્ટ માટેના ફેબ્રિકસ બનાવે છે. આ વિવિધ ફેબ્રિકસ તેઓ ભારતભરમાં સપ્લાય કરે છે. ચેમ્બરના માધ્યમથી તેમણે બાંગ્લાદેશ ખાતે પ્રથમ વખત પોતાની પ્રોડકટ ડિસ્પ્લે કરવાની તક મળી હતી. આ એકઝીબીશનમાં ભાગ લીધા બાદ સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોને ખબર પડી કે બાંગ્લાદેશ ખાતે કેટલું પોટેન્શીયલ છે.

ચાર દિવસ દરમ્યાન કુલ ૩પ૦૦ થી પણ વધુ જેન્યુન બાયર્સ અને ગારમેન્ટ મેન્યુફેકચરર્સ દ્વારા તેઓના સ્ટોલની વિઝીટ કરવામાં આવી હતી. જેને પગલે ઘણી સારી ઇન્કવાયરી જનરેટ થઇ હતી અને ઘણા સેમ્પલો પણ બાંગ્લાદેશના બાયર્સ લઇ ગયા હતા, આથી તેઓને આગામી દિવસોમાં તેમણે ખૂબ જ સારો બિઝનેસ બાંગ્લાદેશ ખાતેથી મળશે તેમ પણ એકઝીબીટર્સ તરફથી જાણવા મળ્યું હતું.

ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ ચેમ્બર દ્વારા બાંગ્લાદેશના ઢાકા ખાતે આયોજિત ‘ઇન્ડિયા ટેક્ષ્ટાઇલ ટ્રેડ ફેર’ના પ્રોત્સાહન માટે ભારતના ટેક્ષ્ટાઇલ્સ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશનો ખાસ આભાર માન્યો હતો. સાથે જ સમગ્ર એકઝીબીશનની સફળતા માટે બાંગ્લાદેશ ખાતેના ભારતના એમ્બેસેડર પ્રણય વર્મા (આઇ.એફ.એસ.), બાંગ્લાદેશના સંસદ સભ્ય શફીલ મોહીઉદ્દીન, FBCCI ના પ્રમુખ મોહંમદ જશીમ ઉદ્દીન, BGMEA ના પ્રમુખ ફારૂક હસન, BGAPMEA ના પ્રમુખ મોહંમદ મોઝીમ મોતી, BGAPMEA ના સેકન્ડ વાઇસ પ્રેસિડેન્ટ Heroic Freedom Fighter એકેએમ મોસ્તફા સલીમ, BGAPMEA ના ટ્રેડ ફેરના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન ઝહીર ઉદ્દીન હૈદર તથા એએસકે ટ્રેડ એન્ડ એકઝીબીશન્સ પ્રા. લિ.ના ડાયરેકટર સલીમ બી. અને નંદા ગોપાલ કે.નો પણ ખાસ આભાર વ્યકત કર્યો હતો.