Page Views: 11573

સુરતમાં બિલ્ડર, ખેડૂત અને સોનગઢમાં ક્રિકેટના સટોડિયાને ત્યાં ઇન્કમ ટેક્સના દરોડા

ચૂંટણીના અનુસંધાનમાં પાર્ટી ફંડ અપાતા દરોડા પડ્યાની વાત

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ

રાજ્યમાં વિધાન સભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સુરત ઇન્કમટેક્સની ડીડીઆઇ વિંગના અધિકારીઓએ સુરતના બિલ્ડર જૂથ સહિત ખેડૂત અને જમીન દલાલને ત્યાં દરોડા પાડ્યા છે. ઉપરાંત અધિકારીઓ દ્વારા સોનગઢમાં ક્રિકેટના સટ્ટાનું મોટું બેટીંગ લેનારા સટોડિયાને પણ સાણસામાં લઇને તપાસ હાથ ધરી છે. IT ઇન્વેસ્ટિગેશન વિંગના સૂત્રોએ કહ્યુ કે ચૂંટણી દરમિયાન જ્યારે રૂપિયાની હેરફેર પર નજર રખાઇ રહી છે ત્યારે કેટલાંક ડેટા અને ટ્રાન્ઝેકશનની ચકાસણીમાં સોનગઢ અને સુરતમાં દરોડા પડાયા હતા. સોનગઢમાં સટ્ટા સાથે સંકળાયેલાં અને બ્લેક મની જનરેટ કરતાં એક વ્યક્તિને સાણસામાં લેવાયો હતો. સુરતમાં જમીનોના સોદામાં સાત સ્થળ પર દરોડાની કાર્યવાહી ચાલુ છે. અલથાણના ખેડૂત અનિલ સોલંકી, બળવંત અને જામુને ત્યાં તપાસ થતાં તેની સાથે સોદા કરનારા અન્ય ખેડૂતો, દલાલો અને બિલ્ડરો પણ દોડતા થઈ ગાય છે. અધિકારીઓએ છેલ્લાં લાંબા સમયથી જમીનોના સોદા પર વોચ રાખી રહ્યા હતા. કેપિટલ ગેઇન સહિતના કેટલાંક ઇસ્યુને લઇને તપાસનો આરંભ કરવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે. અધિકારીઓ હાલ જે તે પાર્ટીઓના સ્ટેટમેન્ટ લઇ રહ્યા છે. જમીનોના સોદા કોની સાથે થયા છે તેમાં બ્રોકર કોણ હતા અને ક્યા બિલ્ડરે જમીનો ખરીદી છે તેની તપાસ બાદ અધિકારીઓ દરોડાનુ કાર્યક્ષેત્ર વધારી પણ શકે છે. અચાનક કરાયેલાં દરોડાને લીધે આજે એક વાત ચર્ચામાં રહી હતી કે ઇલેકશનને લગતા કેટલાંક ઇસ્યુને લઇને તપાસ કરવામાં આવી છે. પરંતુ અધિકારીઓ હાલ આ બાબતે કંઇ કહેવા તૈયાર નથી. દરોડામાં સામે કોઇ વ્યક્તિએ પાર્ટી ફંડ સપ્લાય કર્યું હોવાની વાત પણ ચર્ચામાં છે. જો કે, હાલના તબક્કે અધિકારીઓ દ્વારા આ બાબતોને સમર્થન આપવામાં આવતું નથી પરંતુ આ તપાસના તાર કશે ને કશે ઇલેકશન સાથે જોડાયેલા જરૂર છે એવી ચર્ચા સુરતમાં જોર શોરથી થઇ રહી છે. હાલમાં ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ થઇ રહી છે અને પ્રાથમિક તપાસમાં જ મોટા પ્રમાણમાં રોકડની હેરાફેરીથી માંડીને અનેક વાંધા જનક દસ્તાવેજો હાથ લાગ્યા હોવાનું જાણવા મળી રહ્યુ છે.