Page Views: 14893

આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાને આપના કાર્યકરોએ આયાતી ઉમેદવાર ગણાવી હરાવવા મેદાને ઉતર્યા

ખુદ આપના પ્રદેશ પ્રમુખ સામે જ સુરત શહેરના આપના ઉપ પ્રમુખે કાર્યકર સંમેલન બોલાવીને નારાજગી વ્યક્ત કરી સાથો સાથ ગોપાલ ઇટાલિયા ફોન ન ઉપાડતા હોવાનો પણ બળાપો કાઢ્યો

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ

સુરત શહેરમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયા સામે ખુદ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ બાંયો ચડાવી અને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. ગોપાલ ઇટાલિયા મનમાની કરતા હોવાના આરોપ સાથે કાર્યકરોના ફોન પણ ન ઉપાડતા હોવાનું જણાવીને આમ આદમી પાર્ટીના સુરત શહેરના ઉપ પ્રમુખ રાજુ દિયોરાએ આવતી કાલે રવિવારના રોજ આપના કાર્યકરોનું મહા સંમેલન બોલાવવાની જાહેરાત કરતા આપના નેતાઓ દોડતા થઇ ગયા છે.

આમ આદમી પાર્ટીના સુરતના ઉપ પ્રમુખ રાજુ દિયોરાએ જણાવ્યું હતું કે, તેઓ આપના એક શિસ્ત બધ્ધ કાર્યકર છે અને તેઓ પાર્ટી માટે સ્વ ખર્ચે કામ કરી રહ્યા હતા. આપના કાર્યકરોએ પોતાના વિસ્તારના જ ઉમેદવારને ટિકીટ આપવામાં આવે એવી માંગણી કરી હતી તેમજ એવુ પણ જણાવ્યું હતું કે, કતારગમમાં તેમનું સંગઠન મજબુત છે. પરંતુ આમ આદમી પાર્ટી દ્વારા આયાતી ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને ટિકીટ આપીને કાર્યકરોન નારાજ કર્યા છે. જેના કારણે આવતી કાલે રવિવારના રોજ આપના વિરોધમાં કતારગામ ખાતે કાર્યકરોનું એક મહા સંમેલન બોલાવવામાં આવ્યુ છે અને તેઓ આપના ઉમેદવારને હરાવવા માટે હવે કામ કરશે. રાજુ દિયોરાના આ નિવેદનને પગલે આપમાં સોપા પડી ગયો છે અને તેને મનાવીને નારાજગી દુર કરવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.