Page Views: 19683

વરાછામાં કુમાર કાનાણીને વિજેતા બનાવવા પુરષોત્તમ રૂપાલાની જંગી જાહેર સભામાં જન મેદની ઉમટી પડી

સાંસદ દર્શનાબેન જરદોષ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ

સુરતની વરાછા વિધાન સભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીએ માજી આરોગ્ય મંત્રી કુમાર કાનાણીને ટિકીટ ફાળવી છે. દર રોજ ડોર ટુ ડોર પ્રચાર કરતા કુમાર કાનાણીને લોકોનું સમર્થન મળી રહ્યું છે ત્યારે વરાછા વિસ્તારમાં સાંસદ પુરષોત્તમ રૂપાલા અને કેન્દ્રીય મંત્રી દર્શના જરદોષ સહિતના આગેવાનોની એક જંગી જાહેર સભા રાખવામાં આવી હતી. આ સભામાં જન મેદની મોટી સંખ્યામાં ઉમટી પડી હતી. પુરષોત્તમ રૂપાલાએ વરાછાવાસીઓને કોંગ્રેસના સમયમાં સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં પાણીની કેવી કિલ્લત હતી તે અંગે વાત કરી હતી. તેમજ જણાવ્યું હતું કે, નર્મદા ડેમની ઉંચાઇ વધારવા માટે ખુદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ત્રણ દિવસના ઉપવાસ કરવા પડ્યા હતા. ઉપરાંત જ્યારે નરેન્દ્ર ભાઇ મોદી વડા પ્રધાન બન્યા ત્યારે કોઇની પણ માંગણી વગર સત્તરમાં દિવસે જ નર્મદા ડેમની ઉંચાઇ વધારવા માટેની પરવાનગી આપી હતી. સૌરાષ્ટ્રમાં એક સમયે પંદર દિવસે પાણી મળતું હતું અને મહેમાન આવે તો પાણી કઇ રીતે આપીશું એ ચિંતા સતાવતી હતી. ત્યારે ભાજપની સરકાર આવ્યા બાદ દરેક ફિલ્ડમાં કામ થયા છે. લોકોને સારી સુવિધા મળી રહે એ દિશામાં કામો કરવામાં આવ્યા છે. સાંસદ દર્શના જરદોષે જણાવ્યું હતું કે, કેન્દ્રની ભાજપ સરકાર અને ગુજરાતની ભાજપ સરકાર ડબલ એન્જીન સરકારને કારણે વિકાસના કામો ઝડપથી થઇ રહ્યા છે. લોકોને ઉપયોગી થાય એવા કાર્યો કરવામાં ભાજપની સરકાર દ્વારા ક્યારેય પાછી પાની કરવામાં આવી નથી.

જાહેર સભામાં ઉપસ્થિત લોકોને ભાજપના ઉમેદવાર કુમાર કાનાણીએ પણ સંબોધન કર્યું હતું તેમજ તેમના દ્વારા છેલ્લા વર્ષોમાં લોકો માટે કરવામાં આવેલા કામોની યાદી વર્ણવી હતી. ખાસ કરીને શહેરમાં લોક ઉપયોગી કાર્યો કરવા માટે તેમણે આપેલા યોગદાન વિશે પણ જાણકારી આપી હતી. સભામાં ઉપસ્થિત જંગી જન મેદનીએ પોતાના મોબાઇલની લાઇટો ઓન કરીને કુમાર કાનાણીને સમર્થન આપવા સાથે તેમને ભવ્ય વિજય અપાવવા માટે વાયદો કર્યો હતો. કુમાર કાનાણી અને તેમના સમર્થકો દ્વારા હાલમાં તેમના મત વિસ્તારમાં ઘરે ઘરે જઇને લોક સંપર્ક કરવા સાથે પ્રચાર કરવામાં આવી રહ્યો છે.