Page Views: 5593

વારંવાર મનવીને પત્નીને પિયરમાંથી લાવવાના પ્રયાસમાં નિષ્ફળ યુવાનની કોર્ટે છુટાછેડાની માંગણી સ્વિકારી

ઓલપાડના એક ગામના યુવાનના લગ્ન નવ વર્ષ પહેલા થયા હતા- પત્ની પિયર ગયા બાદ તેને તેડી લાવવાના પ્રયાસો કરનાર યુવાને આખરે કોર્ટમાં અરજી કરી છુટા છેડા માંગ્યા હતા

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ

ઓલપાડ કોર્ટમાં પતિ દ્વારા છુટા છેડા માટે દાખલ કરવામાં આવેલી અરજી મંજુર રાખવામાં આવી છે અને યુવાને કરેલી માંગણી સ્વિકારી છે.

આ કેસની વિગત એવી છે કે, ઓલપાડ તાલુકાના એક ગામમાં રહેતા યુવાનના ભરૂચના એક ગામમાં રહેતી યુવતી સાથે વર્ષ 2013માં લગ્ન થયા હતા. લગ્ન બાદ યુવતી પોતાના સાસરે રહેવા આવી હતી અને તેણે સમય જતા એક પુત્રીને જન્મ આપ્યો હતો. પુત્રીના જન્મ વખતે પિયર રહેવા ગયેલી પત્ની પરત સાસરે આવી ન હતી. જેથી તેનો પતિ તેને વારંવાર મનાવવા માટે આજીજી કરતો રહ્યો હતો અને સાસરે આવીને પરિવાર સાથે રહેવા જણાવતો હતો. જો કે, યુવતી પોતાના પતિની આ વાત માનતી ન હતી અને તેણે ભરૂચ કોર્ટમાં ભરણ પોષણ માટે અરજી કરતા કોર્ટે પ્રતિ માસ રૂ.3500 પ્રમાણે ભરણ પોષણ ચુકવવા માટે હુકમ કર્યો હતો. આ સમય દરમ્યાન પણ યુવાને પોતાની પત્નીને મનાવીને પુત્રી સાથે સાસરે રહેવા આવી જવા વિનંતી કરી હતી. જો કે, યુવતી કોઇની વાત સાંભળવા રાજી ન હતી. આખરે યુવાને પોતાના એડવોકેટ મોના ડી. પંડ્યા મારફત ઓલપાડ કોર્ટમાં છુટા છેડા માટે અરજી દાખલ કરી હતી. મોના પંડ્યાની દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટ દ્વારા આ યુવાનની છુટા છેડાની અરજી મંજુર રાખવામાં આવી હતી. તેમજ યુવતીને છુટા છેડા આપી દેવા માટે યુવાને રજૂ કરેલા કારણો ગ્રાહ્ય રાખવામાં આવ્યા હતા.