Page Views: 15732

ગૃહ મંત્રી અમિત શાહે આગામી મુખ્યમંત્રીના નામની કરી જાહેરાત

ભાજપ આ વખતે રેકોર્ડ બ્રેક બહુમતી મેળવશે એવો પણ કર્યો દાવો

અમદાવાદ-વર્તમાન ન્યૂઝ.કોમ

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આગામી દિવસોમાં ભાજપની સરકાર બનશે અને નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ જ રહેશે એવુ  જણાવ્યું હતું. ભાજતીય જનતા પાર્ટી આગામી મહિનામાં થનારી વિધાનસભાની ચૂંટણીમાં બહુમતી હાંસલ કરશે અને ભૂપેન્દ્ર પટેલ જ રાજ્યના મુખ્યમંત્રી બનશે. શાહના આ નિવેદનથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે, પટેલ ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર છે અને પાર્ટીની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શાહના ગૃહ રાજ્યમાં સતત સાતમી વખત સત્તા હાંસલ કરવા પર છે. પટેલે સપ્ટેમ્બર 2021માં વિજય રૂપાણીના સ્થાને મુખ્યમંત્રી પદ સંભાળ્યુ હતું. તે ભાજપના નેતૃત્વનો એક એવો નિર્ણય હતો જેણે અનેક લોકોને ચોંકાવી દીધા હતા. પટેલ પહેલીવાર ઘાટલોડિયા મતવિસ્તારમાંથી ધારાસભ્ય બન્યા હતા. તેમને એ જ બેઠક પરથી ફરીથી ઉમેદવારી બનાવવામાં આવ્યા છે. અગાઉ અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટીએ 'જાહેર સર્વે' હાથ ધર્યા બાદ પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીને તેના મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા હતા. કોંગ્રેસે ચૂંટણી માટે મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત ન કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાતની કુલ 182 બેઠકો માટે બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે. 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. ત્યાર બાદ રાજ્યમાં ભાજની નવી સરકાર નવા મુખ્યમંત્રી સાથે શપથ લેશે એવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. જો કે, આ વખતે ભાજપ માટે સત્તાની ખુરશી સુધી પહોંચવામાં કોંગ્રેસ કરતા પણ આમ આદમી પાર્ટી મોટો પડકાર બનીને ઉભરી રહી હોવાનું ચિત્ર રાજકીય નિષ્ણાંતો દ્વારા રજૂ કરવામાં આવી રહ્યું છે ત્યારે જોવાનું રહેશે કે આગામી દિવસોમાં ગુજરાતના નાથ તરીકે મતદારો કોના પર પસંદગીનો કળશ ઢોળે છે.