Page Views: 52314

સફળતાનું બીજુ નામ ધર્મજના અર્ચના ભટ્ટ પટેલ

એક્ઝોટીક બર્ડસને ઉછેર્યા છે પોતાના ઘરમાં જ

ધર્મજ-વર્તમાન ન્યૂઝ.કોમ

ધર્મજ ખાતે રહેતા અર્ચનાબેન ભટ્ટ પટેલ એટલે સફળતા અને સાહસનું બીજું નામ, એક સાથે ઘણા બધા ફિલ્ડમાં પોતાનો હાથ અજમાવીને તેમણે દરેક ફિલ્ડમાં સફળતા મેળવી છે. ધર્મજ ખાતે જ હાલમાં અર્ચનાબેને પોતાના ઘરમાં એક્ઝોટીક બર્ડસને પાળીને પોતાના ઘરની અગાસીમાં જ વોક ઇન એવિયરી બનાવી છે. આપ ત્યાં જઇને પોતાના ગમતા પક્ષી વિશેની જાણકારી મેળવી શકો છો. તેમજ તે પક્ષી સાથે વાત પણ કરી શકો અને રમી પણ શકો છો. એમની આ એવિયરીમાં 10 ઇંચથી લઇને અઢી થી ત્રણ ફુટની સાઇઝના જુદા જુદા પ્રકારના પોપટનો સમાવેશ થાય છે. દરેક પોપટને નામ અપાયેલા છે તેમાના મોટા ભાગના પોપટ આપણી સાથે ગુજરાતીમાં વાત કરી શકે છે. તેમને ત્યાં સ્થાનિક ઉપરાંત બહાર ગામથી પણ લોકો મુલાકાતે આવે છે અને પક્ષીઓ સાથે વાત કરી શકે છે. સાથો સાથ પક્ષીઓ વિશેનું ગ્નાન મેળવીને પરત જાય છે. અર્ચના બેનના બર્ડ એવિયરમાં નાના કનુર જાતિના પોપટની લગભગ છ થી સાત જાત છે. આફ્રિકન ગ્રે પોપટ, એમેઝોન પોપટ, તેમજ મકાઉ જાતિના પોપટની બે જાતિનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમની પાસે બે પર્શિયન જાતિની બિલાડીઓ તેમજ બે લ્હાસા એપ્સો જાતિના કૂતરા પણ છે. નવાઇની વાત એ છે કે, પક્ષીઓને મળવા માટે તમે જાતે પાંજરામાં જઇ શકો એટલા મોટા પાંજરા બનાવવામાં આવ્યા છે અને બિલાડી તેમજ કુતરા પણ તેમની સાથે ઘરના મેમ્બરની જેમ રહે છે. અર્ચનાબેન પેટ ઇન્ડીયાના મેમ્બર પણ છે અને તેઓ પિતાના ઘેર હતા ત્યારથી જ જીવદયાના કામ સાથે જોડાયેલા છે. ધર્મજ તેમજ આસપાસના ગોચર વિસ્તારમાં અવાર નવાર સાપ નીકળતા હોય છે તેઓ તેમને રેસ્ક્યુ કરીને સરળતાથી જંગલ વિસ્તારમાં છોડી આવે છે આ કામગીરી માટે તેઓએ એક કોલશીટ મેઇન્ટેન કરવાની હોય છે જેની જાણ સમયસર દરેક રેસ્ક્યુ વખતે વન વિભાગને કરવાની હોય છે. આ દરેક કામ તેઓ જરૂરી દસ્તાવેજો અને કાગળ પર પણ નોંધ રાખીને કરે છે. જેની જાણ રેન્જ વિસ્તારના વન વિભાગ તેમજ ગ્રામ પંચાયતને હોય છે. જે તે વિસ્તારમાંથી રેસ્ક્યુ કરેલા સાપના વિશેની પુરી માહિતી અને જાણકારી પણ તેઓ લોકોને આપે છે. જેથી જરૂરી સાવચેતી સાથે માણસ પોતાના મનમાંથી ડર કાઢી શકે. વરસાદની સિઝનમાં બતકના બચ્ચા પણ તેમની પાસે આવતા હોય છે આવી જ રીતે મોરના બચ્ચા પણ તેઓ વન વિભાગની મંજૂરીથી ઉછેરી અને તેને ફરી વખત છુટ્ટા મુકે છે. માળામાંથી પડી ગયેલા ખિસકોલીના બચ્ચા, પોપટ, કાબર અને કબુતરના બચ્ચાને પણ તેઓ યોગ્ય સારવાર આપીને ફરી છુટા મુકે છે. આ દરેક કામ માટે તેમણે પોતાના સ્ટાફમાં બીજા ત્રણ છોકરાઓને પણ તૈયાર કર્યા છે જેથી જીવદયાના કામમાં સરળતા રહે. આ કામમાં તેમને પરિવાર પણ પુરો સાથ આપે છે અને તેમના બન્ને બાળકો પણ સાપ પકડતા શીખ્યા છે. તેમના પતિ સવારે અને સાંજે કુતરાઓને ભોજન આપવા માટે ગામની શેરીઓમાં જાય છે સંજોગો વસાત તેઓ હાજર ન હોય તો અર્ચનાબેન સાથે કામ કરતા યુવાનો આ કામ કરે છે આમ જીવદયા એ અર્ચનાબેનના પરિવારના  દરેક સભ્યના હ્રદયમાં છે. અર્ચનાબેન ભટ્ટ ભારતિય સંસ્કૃતિ વિષય સાથે સ્નાતક થયેલા છે  અને તેમણે નર્સીંગ તેમજ નાટ્ય દિગ્દર્શનના એક એક વર્ષના ડિપ્લોમાં કોર્ષ પણ કરેલા છે એડવર્ટાઇંગ ઓફીસમાં એક્ઝીક્યુટીવ તરીકે નોકરીથી માંડીને પોતાની ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની જિપ્સી ઇવેન્ટ તેઓએ 1998માં શરૂ કરી હતી જેનો કાર્યભાર હાલમાં તેમના ભાઇ ચિરાગ ભટ્ટ સંભાળી રહ્યા છે તેઓ પણ જીવદયા ફિલ્ડમાં કામ કરે છે.

અર્ચનાબેનનું એક ડ્રેસ ડિઝાઇનિંગ બ્યુટીક કમ સ્ટુડીયો પણ ધર્મજમાં છે જે છેલ્લા છ વર્ષથી તેઓ ચલાવી રહ્યા છે અને આખા ધર્મજમાં તેઓ પ્રથમ મહિલા છે જેમણે ધર્મજમાં સ્ટુડીયો સ્વરૂપે પોતાનો બિઝનેસ સ્થાપ્યો છે. સહિયર નામનું મહિલાઓનું ગ્રુપ પણ તેમણે બનાવ્યુ છે જેમાં બિઝનેસ વુમનને તેઓ સમાવીને તેનું સંચાલન કરી રહ્યા છે. કોલેજ કાળથી જ તેમને લખવાનો શોખ છે તેમના માતા જ્યોતિ ભટ્ટ લેખિકા છે જેમણે 1986થી ગુજરાત સમાચારમાં કોલમીસ્ટ તરીકે સારી નામના મેળવી છે. લખવાનો ગુણ તેમને ગળથુથીમાંથી જ મળ્યો છે તેઓના ત્રણ પુસ્તક શમણા તે અશ્રુની જાત (કાવ્ય સંગ્રહ), હ્રદય નામે ઉખાણું (કાવ્ય સંગ્રહ) અને સંત તુલસીદાસની કવિતાવલી 2017માં પ્રકાશીત થઇ ચુક્યા છે. તેમણે બાળપણમાં અભિનય પણ કર્યો છે અને ગુજરાતી સિરીયલ અને નાટકો ઉપરાંત સાત ગુજરાતી ફિલ્મમાં પણ કામ કર્યુ છે આ વારસો તેમને તેમના પિતા કે જે ગુજરાતી રંગભૂમિના જાણીતા કલાકાર છે એવા સતિષ ભટ્ટ સાથી મળ્યો છે.