Page Views: 7059

કાંઠા વિસ્તારમાં કોળી પટેલ સમાજનો રોષ ભાજપને ભારે પડવાના એંધાણ

ચાર ચાર ઘોડે સવાર સંદીપ દેસાઇનો વિરોધ સતત વધી રહ્યો છે- ગામોમાં ભાજપના નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવાશે

સુરત- વર્તમાન ન્યૂઝ.કોમ

 સુરતમાં ચોર્યાસી બેઠકના સિટીંગ ધારાસભ્ય ઝંખનાબેન પટેલની ટિકીટ કાપીને ભાજપે સંદીપ દેસાઇને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. સંદીપ દેસાઇનું નામ આવતા જ કાંઠા વિસ્તારના કોળી પટેલ સમાજ દ્વારા તેમના નામનો વિરોધ કરવામાં આવી રહ્યો છે તેમજ દર રોજ દેખાવો કરવા સાથે કોળી પટેલ સમાજના ઉમેદવાર એવા ઝંખનાબેન પટેલને ટિકીટ આપવા માટેની માંગણી કરી રહ્યા છે. જે પ્રકારે કાંઠા વિસ્તારના કોળી પટેલ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે તે જોતા આગામી દિવસોમાં આ રોષ ભાજપને ભારે પડી શકે છે. ગઇ મોડી રાત્રે પણ ભાઠા ગામ સહિતના ગામોમાં રહેતા કોળી પટેલ સમાજના લોકોએ સંદીપ દેસાઇના નામનો વિરોધ કર્યો હતો તેમજ ભાજપની પ્રદેશ નેતાગીરી તેમજ કેન્દ્રીય નેતાગીરીને આ મામલે ફેર વિચારણા કરવા માટેની માંગણી કરી હતી. ખાસ કરીને ચોર્યાસીની બેઠક ઉપર કોળી પટેલ સમાજના અંદાજે 1 લાખ 55 હજારથી વધારે મતદારો છે અને તેઓની નારાજગી ભાજપને પોસાય તેમ નથી. આ સંજોગોમાં જો કોળી પટેલ સમાજ એક જુથ થઇ અને મતદાન કરશે તો ભાજપને આ બેઠક જીતવામાં લોઢાના ચણા ચાવવાનો વખત આવશે એવુ પણ કહી શકાય. સંદીપ દેસાઇ સુરત ડિસ્ટ્રીક્ટ બેન્ક, સુમલ ડેરી, એપીએમસી માર્કેટ સહિતની સંસ્થાઓમાં ડિરેક્ટર સહિતના વિવિધ હોદાઓ ઉપર છે જ આવા સંજોગોમાં તેમને ધારાસભાની ટીકીટ આપવામાં આવી છે જ્યારે ઝંખના દેસાઇ સિટીંગ ધારાસભ્ય તરીકે બિન વિવાદાસ્પદ રહ્યા હોવાનું કોળી પટેલ સમાજના લોકોનું કહેવું છે અને તેમની વગર કારણે ટિકીટ કાપીને કોળી પટેલ સમાજને કોરાણે મુકવાનું કામ ભાજપે કર્યાનો આરોપ પણ મુકવામાં આવી રહ્યો છે. જે પ્રકારે ભાજપ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવાર સંદીપ દેસાઇ સામે કોળી પટેલ મતદારોનો વિરોધ કાંઠા વિસ્તારના ગામોમાં જોવા મળી રહ્યો છે એ જોતા આવનારા દિવસોમાં ભાજપ નેતાગીરીનો આ નિર્ણય ભારે પડવાની સંભાવના પણ નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે.