Page Views: 5767

અલગ થવાનું કારણ આવું પણ હોય! સંયુક્ત કુટુંબમાં ન રહેવાની પત્નીની જીદ્દના કારણે દંપતિના છૂટાછેડા

સુરતના યુવકના દસ વર્ષ પૂર્વે કરજણની યુવતી સાથે લગ્ન થયા હતા : પત્નીએ ભરણપોષણની રકમ જતી કરતા કેસનો નિકાલ થવા સાથે બન્નેએ છુટાછેડા લઈ લીધા

સુરત- વર્તમાન ન્યૂઝ.કોમ

સંયુક્ત કુટુંબમાં ન રહેવાની પત્નીની જીદના કારણે દંપતિ વચ્ચે દસ વર્ષે છૂટાછેડા થયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અનેક પ્રયત્નો છતાં બંને ભેગા ન થતા દંપતિએ કાયમી રીતે છુટા પડવા સાથે કેસ પરત ખેંચી લેતા આજે લોક અદાલતમાં તેમના કેસનો નિકાલ થયો હતો. 

સુરતના બમરોલી વિસ્તારમાં રહેતા વિવેકભાઈના વડોદરાના કરજણ ખાતે રહેતા ટીનાબેન (બન્ને પક્ષકારોના નામ બદલેલ છે) સાથે ઓક્ટોબર - ૨૦૧૨ માં લગ્ન થયા હતા. જો કે ટીનાબેન હરવા ફરવાના શોખીન હતા અને તેમને ફિલ્મો જોવાનો તથા બહારનું જમવાનો પણ શોખ હતો. ઉપરાંત સાસરીમાં સંયુક્ત કુટુંબમાં રહેવાનું હોય અલગ થવા પત્ની જીદ્દ પણ કરતી હતી. જેના લીધે તેમના પરિવારમાં ખટરાગ થતો હતો. આ વચ્ચે પત્ની ગત ફેબ્રુઆરી - ૨૦૨૧ માં ઝગડો કરી પિયર જતી રહી હતી. જ્યાંથી તેણીએ ભરણપોષણનો કેસ કર્યો હતો. બીજી બાજુ પતિએ એડવોકેટ અશ્વિન જે જોગડિયા મારફતે સુરત ફેમિલી કોર્ટમાં પત્નીને તેડી લાવવા લગ્ન પુનઃ સ્થાપનનો દાવો કર્યો હતો. દરમિયાન છેલ્લા ૧૦ વર્ષથી આ દંપતિ વચ્ચે મનમેળ ન હોય તથા પત્ની સંયુક્ત કુટુંબમાં રહેવા રાજી ન હોય સમાધાન માટે કેસ સુરત મિડીએશન સેન્ટરમાં મોકલવામાં આવ્યો હતો. જ્યાં બન્નેએ કાયમ માટે છુટા પડવાનો નિર્ણય લીધો હતો. અલગ થવા સાથે પત્નીએ ભરણપોષણની રકમ જતી કરી હતી, અને બન્નેએ કરેલા કેસ પણ પરત ખેંચી લેવા સહમત થતા આજે લોક અદાલતમાં તેમના કેસનો સમાધાનથી નિકાલ થયો હતો.