પાલિકા કર્મચારીના આત્મહત્યા કેસમાં પત્નીના કથિત પ્રેમીના આગોતરા જામીન નામંજૂર

કેનાલરોડ ખાતે રહેતા દીપક સોલંકીએ ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ  

 

આ કેસ ની વિગત એવી છે કે, દીપક રમેશભાઈ ઉર્ફે પાતાભાઈ સોલંકી (રહે, સી/૧૦૭, એસ. એમ. સી., આંબેડકર આવાસ, ઉગત કેનાલ રોડ, મોરા ભાગળ, સુરત) એ પોતાના ઘરમાં ગત તા.૧૩/૦૪/૨૦૨૨ ના રોજ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જેમાં મૃતકના ભાઇ પ્રતીક સોલંકીની ફરિયાદ લઈને રાંદેર પોલીસે પત્ની નયનાબેન દીપકભાઈ સોલંકી, ઉકાભાઇ સવજીભાઈ બારૈયા, નીમુબેન ઉકાભાઇ બારૈયા સહિત ચાર જણા વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો. જેમા પત્નિના કથિત પ્રેમી અવિનાશ સુનીલકુમાર ઝા (રહે, સદરપુર કોલોની, સેક્ટર -૪૫ , નોઈડા,  ગૌતમ બુદ્ધ નગર, ઉત્તરપ્રદેશ) એ ધડપકડથી બચવા સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. આગોતરા જામીન અરજી ના વિરોધમાં સરકારી વકીલ વિશાલ ફળદુએ દલીલો કરી હતી. જ્યારે મૂળ ફરિયાદી તરફે એડવોકેટ અશ્વિન જોગડિયાએ લેખિત સોગંદનામુ રજૂ કરી જણાવ્યું હતુ કે, અરજદાર/ આરોપીએ મૃતકની પત્નિ સાથે સંબધો બાંધેલા છે અને વોટ્સએપ કોલ મારફતે મૃતકને ધમકીઓ પણ આપેલી હતી. તપાસ ના કામે કથિત પ્રેમી એવા અવિનાશ સુનીલકુમાર ઝા ની પ્રત્યક્ષ હાજરીની જરૂર છે, અને કસ્ટોડિયલ ઇનટ્રોગેશનની પણ જરૂર છે. 

બંને પક્ષકારો ને સાંભળ્યા બાદ અત્રે ની સેશન્સ કોર્ટે ગુનાની ગંભીરતા અને રોલ જોતા આરોપી અવિનાશ સુનીલકુમાર ઝાની આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી અને ટાંકયું હતુ કે, આ કામ ના આરોપીએ નયનાબેન સાથે અનૈતિક સંબંધો રાખેલા છે. આ અનૈતિક સંબંધો નો અંગત પળો નો વિડિયો અને ફોટોગ્રાફ ગુજારનાર દીપકભાઈ જોઇ જતા સમગ્ર ઘટનાનો ઉદભવ થયેલો છે.