ચેમ્બરની વિમેન આંત્રપ્રિન્યોર સેલની મહિલા સાહસિકોએ નેચર ઝોન કિલનિકની મુલાકાત લીધી

 કુદરતી વસ્તુઓમાંથી બનેલી દવાઓ તથા ડિટોકસ ટી અને સિરપ વિશે જાણકારી મેળવી

સુરત. વર્તમાનન્યૂઝ.કોમ

 ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની વિમેન આંત્રપ્રિન્યોર સેલની મહિલા સાહસિકોએ બુધવાર, તા. રર જૂન, ર૦રર ના રોજ નેચર ઝોન કિલનિકની મુલાકાત લીધી હતી. જેમાં વિમેન આંત્રપ્રિન્યોર સેલના ચેરપર્સન જ્યોત્સના ગુજરાતી, એડવાઇઝર સ્વાતિ શેઠવાલા અને લેડીઝ વીંગના સેક્રેટરી મનિષા બોડાવાલા સહિત રપ મહિલા સાહસિકોનો સમાવેશ થાય છે. ચેમ્બરના ગૃપ ચેરપર્સન ડો. બંદના ભટ્ટાચાર્ય ઓનલાઇન જોડાયા હતા. નેચર ઝોન કિલનિકના ડો. મંશાલીએ કુદરતી વસ્તુઓમાંથી બનેલી દવાઓ વિશે મહિલા સાહસિકોને વિસ્તૃત માહિતી આપી હતી.

હર્બલ ટીમાં પીએચડી કરનાર ડો. મંશાલીએ જણાવ્યું હતું કે, અપ્રાકૃતિક વસ્તુઓમાંથી બનેલી અને બજારમાં મળતી દવાઓને કારણે સાઇડ ઇફેકટની સંભાવના હોય છે. આ દવાઓના સેવનથી વ્યકિત શરીરની એક તકલીફમાંથી મુકિત મેળવવા માટે બીજી તકલીફમાં મુકાઇ જાય છે. આથી તેમણે જાતે રિસર્ચ કરીને પ્લાન્ટ તથા અન્ય કુદરતી વસ્તુઓના ઉપયોગથી એવી દવા બનાવી છે કે જે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, સ્થૂળતા, સંધિવા વિગેરે રોગમાંથી મુકિત અપાવવા કારગત સાબિત થાય છે. તેમણે વિમેન આંત્રપ્રિન્યોર સેલની મહિલા સાહસિકોને લાઇવ ડેમોન્સ્ટ્રેશન પણ બતાવ્યું હતું.

દવાઓ ઉપરાંત તેમણે ડિટોકસ ટી તથા સિરપ પણ બનાવ્યું છે, જે ખાસ કરીને મહિલાઓ માટે વધુ ગુણકારી છે. તેઓ કુદરતી દવાઓને આધારે મહિલાઓની વિવિધ સમસ્યાઓ જેવી કે મેનોપોઝ તથા પીસીઓડીનો પણ કુદરતી રીતે ઇલાજ કરે છે અને વિના મૂલ્યે ન્યુટ્રીશન્સ ડાયટ પણ આપે છે.