Global Textile Trade Fair એકઝીબીશનનો એટલાન્ટામાં શુભારંભ

બાયર્સે ભારતમાંથી ગારમેન્ટ ખરીદવાની તેમજ સુરતમાંથી લીનન, ડેનીમ તથા અન્ય ફેબ્રિક ખરીદવા માટે રસ દાખવ્યો : આશીષ ગુજરાતી

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા અમેરિકાના એટલાન્ટા શહેરમાં GAS SOUTH CONVENTION ENTER ખાતે તા. ૯ થી ૧૧ જૂન ર૦રર દરમ્યાન ત્રણ દિવસ માટે ‘ગ્લોબલ ટેકસટાઇલ ટ્રેડ ફેર’ એકઝીબીશનનો ઐતિહાસિક શુભારંભ થયો છે. જેમાં ટેકસટાઇલ ઉદ્યોગકારો દ્વારા પોતપોતાની ફેશનેબલ પ્રોડકટ પ્રદર્શિત કરવામાં આવી રહી છે. પ્રથમ દિવસથી જ સુરતના ટેકસટાઇલ ઉદ્યોગકારો/એકઝીબીટર્સોને સ્થાનિક બાયર્સનો જબરજસ્ત પ્રતિસાદ મળી રહયો છે. પહેલા દિવસે ૪૩ર જેટલા જેન્યુન બાયર્સે એકઝીબીશનની મુલાકાત લીધી હતી.

એકઝીબીશનનો ઉદ્‌ઘાટન સમારોહ તા. ૯ જૂન, ર૦રર ના રોજ સવારે ૧૧ઃ૦૦ કલાકે યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા જ્યોર્જિયા ગવર્નર ઓફિસમાંથી પધારેલા ફિલ્ડ રિપ્રેઝેન્ટેટીવ સેબાસ્ટીયન બેરોના હસ્તે ઉદ્‌ઘાટન કરી પ્રદર્શનને ખૂલ્લું મુકાયું હતું. આ સમારોહમાં એટલાન્ટા સ્થિત ભારતીય કોન્સુલ જનરલ ડો. સ્વાતિબેન કુલકર્ણી, એટલાન્ટા સ્થિત ભારતીય કોન્સ્યુલેટ મદન કુમાર, જીટીટીએફ ઇન્ટરનેશનલ કમિટીના ચેરમેન બોબીભાઇ પટેલ, હોલીડે ઇનના ઓનર અને ડાયરેકટર પોલભાઇ પટેલ, ઓકટેવિયા એકસપોઝીયમ એલએલપીના સીઇઓ સંદીપ પટેલ, યુએસએના ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સના જોઇન્ટ ડાયરેકટર સુશ્મીતા દાસ, યુએસએના એટલાન્ટા સ્થિત ઇન્ડિયન કોન્સ્યુલેટ સાથેના પાસપોર્ટ ઓફિસર દેવેન્દર સિંઘ, યુએસએના ફેડરેશન ઓફ ગુજરાતી એસોસીએશન્સના પ્રેસિડેન્ટ વાસુભાઇ પટેલ, ડાયરેકટર રિસોર્સ ગૃપના સીઇઓ ડેવિડ ગોલ્ટ, એટલાન્ટા સિટી ઓફ પીસના ફાઉન્ડર પ્રેસિડેન્ટ એન્ડ સીઇઓ જોહન નોગલે વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.

મુખ્ય અતિથિ સેબાસ્ટીયન બેરોનાએ સમારોહને સંબોધતા જણાવ્યું હતું કે, એટલાન્ટા શહેરને ટેકસટાઇલ ક્ષેત્રે આગળ લઇ જવા માટે ચેમ્બર દ્વારા આયોજિત આ પ્રદર્શન ખૂબ જ મદદરૂપ બની રહેશે. ભવિષ્યમાં પણ મોટા પાયા ઉપર જ્યારે ચેમ્બર દ્વારા આવું પ્રદર્શન યોજાશે ત્યારે તેમની ગવર્નર ઓફિસ દ્વારા સંપૂર્ણ સહકાર આપવામાં આવશે.

ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, ચેમ્બર માટે આજનો દિવસ ઐતિહાસિક દિવસ બની રહેશે. કારણ કે, ચેમ્બર ઘણા વર્ષોથી યુએસએ ખાતે એકઝીબીશન કરવાનું વિચારી રહી હતી પણ આ વર્ષે આ વિચારને સાર્થક કરવામાં સફળતા મળી છે. યુએસએ સમગ્ર વિશ્વમાં કાપડનો સૌથી મોટો ઉપભોક્તા છે. સાથે જ વિશ્વમાં ટેકસટાઇલ આર્ટિકલનો સૌથી મોટો આયાતકાર પણ છે. કમનસીબે, ભારતીયો યુએસએમાં ટેકસટાઇલ ઉત્પાદનોની આ વિશાળ માંગને કેપીટલાઇઝ કરી શકયા ન હતા.

યુએસએ સમગ્ર વિશ્વમાં ભારતનું નં. ૧ ટ્રેડિંગ પાર્ટનર છે અને તેની સાથે ૧૧૯ બિલિયન યુએસ ડોલરનો વાર્ષિક ટ્રેડ પણ કરીએ છીએ. જેમાં મુખ્યત્વે હીરા, ફાર્માસ્યુટિકલ્સ અને ચામડાની વસ્તુઓનો સમાવેશ થાય છે. એક અંદાજ મુજબ, યુએસએનું એપરલ માર્કેટ લગભગ ૩૧૮ બિલિયન યુએસ ડોલરનું મૂલ્ય ધરાવે છે, જેમાંથી આયાતનો હિસ્સો લગભગ ૩પ% છે. જ્યારે યુએસએની ટેકસટાઇલ આયાત બાસ્કેટમાં એકલા ચીનનો બજારહિસ્સો ૪૧ % છે. કાપડમાં એમએમએફ અને કપાસની આયાતનો રેશિયો લગભગ પ૮% છે, જે સૂચવે છે કે સુરત સ્થિત ઉદ્યોગ માટે યુએસએમાં ખરીદદારો શોધવાનો વિશાળ અવકાશ છે. તેમણે સુરતમાં ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીની સ્ટ્રેન્થ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

આ પ્રદર્શનની પહેલા દિવસે જ મોટી સંખ્યામાં બાયર્સ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. જેમાં ફેબ્રિક, ગ્રે, બ્લીચ ફેબ્રિક, સોફાના ફેબ્રિક, ટુવાલના ફેબ્રિક, નીટેેડ ગારમેન્ટ અને અન્ય ફેબ્રિકની જબરજસ્ત ડિમાન્ડ જોવા મળી હતી. બાયર્સ ભારતમાંથી ગારમેન્ટ ખરીદવાની તેમજ સુરતમાંથી લીનન, ડેનીમ તથા અન્ય ફેબ્રિક ખરીદવા માટે રસ દાખવ્યો હતો. તેમણે ચેમ્બર દ્વારા યોજાયેલા આ એકઝીબીશનને ભારત સરકારના ટેકસટાઇલ મંત્રાલયનો લોગો સપોર્ટ તથા દેશના કેન્દ્રીય ટેકસટાઇલ મંત્રી પીયુષ ગોયલ અને કેન્દ્રીય ટેકસટાઇલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશનો સંપૂર્ણ સહયોગ મળવા બદલ મંત્રીઓનો આભાર પણ વ્યકત કર્યો.