Page Views: 5354

પાલ અટલ આશ્રમ ખાતે હનુમાનજી મહારાજને 4100 કિલોનો લાડુ ધરાવાશે

હજારો ભાવિક ભક્તો ભંડારામાં પ્રસાદ આરોગશે- હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી

સુરત શહેરના પાલ અટલ આશ્રમ ખાતે હનુમાન જયંતીની ભવ્ય અને પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવે છે. ચાલુ વર્ષે  હનુમાન જયંતિને લઈને આશ્રમ તરફથી 4100 કિલો બુંદીનો લાડુ ચઢાવવામાં આવશે જે આકર્ષણનું કેન્દ્ર રહેશે. તેમજ દિવસ દરમ્યાન હજારો ભાવિક ભક્તો હનુમાનજી મહારાજના ભંડારામાં પ્રસાદ આરોગશે એવુ પાલ અટલ આશ્રમના મહંત બટુકગીરી બાપુએ જણાવ્યું હતું.

શહેરના વિવિધ હનુમાનજી મંદિરોની અંદર હનુમાન જન્મ જયંતિની દબદબાભેર ઉજવણી કરવામાં આવશે. હનુમાનજી મહારાજનો પ્રસાદ લેવા માટે ભાવિક ભક્તો મંદિરોમાં જતા હોય છે. અટલ આશ્રમ ખાતે છેલ્લા ઘણા વર્ષોથી બુંદીનો પ્રસાદ તરીકે લાડુ બનાવવામાં આવતો હોય છે જે સમગ્ર શહેર માટે આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. સાવરે 10:00થી લઈને રાત્રે 11:00 સુધી ભંડારાનું મોટું આયોજન કરવામાં આવતું હોય છે.અટલ આશ્રમના મહંત બટુક ગીરી મહારાજે જણાવ્યું કે અહીં હનુમાનજી મંદિરની અંદર 2004થી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં દર વર્ષે વિશાળ લાડુનો પ્રસાદ ભગવાનને ચઢાવવામાં આવતો હોય છે. દર વર્ષે ચોક્કસ પ્રમાણમાં લાડુનું કદ વધારવામાં આવતું હોય છે. 2014માં જે બનાવવામાં આવતો હતો તે વધીને હવે ત્યાં 4100 કિલો જેટલો થઈ ગયો છે. દર વર્ષે અહીં 20થી 25 હજાર જેટલા ભાવિક ભક્તો આવીને પ્રસાદી ગ્રહણ કરતા હોય છે. કોરોના સંક્રમણને કારણે છેલ્લાં બે વરસથી આયોજન કરવામાં આવ્યું ન હતું પરંતુ હવે ભગવાનની કૃપા થઈ છે. ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે હવે આવી સ્થિતિ ફરી ઉભી ન થાય.