Page Views: 5663

હિમાચલ પ્રદેશમાં ભારે બરફવર્ષા : મનાલી-લેહ હાઈવે પર હિમસ્ખલન-અનેક ઠેકાણે ગાડીઓ ફસાઈ

રાજ્યના 4 રાષ્ટ્રીય રાજમાર્ગ સહિતના 731 કરતાં પણ વધારે માર્ગ બંધ થઈ ગયા

ભારે બરફવર્ષાના કારણે હિમાચલ પ્રદેશની સ્થિતિ વધારે બગડી ગઈ છે. જાણવા મળ્યા મુજબ મનાલી-લેહ હાઈવે પર હિમસ્ખલન થયું છે. આ કારણે રજાઓ ગાળવા માટે ગયેલા પર્યટકોને ખાસ સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યના 4 રાષ્ટ્રીય રાજમાર્ગ સહિતના 731 કરતાં પણ વધારે માર્ગ બંધ થઈ ગયા છે. રસ્તાઓ પર બરફ જામવાના કારણે અનેક ઠેકાણે ગાડીઓ ફસાઈ ગઈ છે. 

હિમાચલ અને ઉત્તરાખંડમાં પણ બરફવર્ષાના કારણે રસ્તાઓ બંધ હોવાનું સામે આવ્યું છે. આ કારણે વીજળી-પાણીનો પુરવઠો પણ ઠપ થઈ ગયો છે અને સામાન્ય લોકોના જીવન પર ખૂબ જ અસર પડી છે. 

હિમાચલ પ્રદેશની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું કે, રાજ્યની 102 જળપૂર્તિ યોજનાઓ બાધિત થઈ છે. આ સાથે જ 1,365 વીજ આપૂર્તિ યોજનાઓ પર પણ અસર પડી છે. હિમાચલ-ઉત્તરાખંડથી લઈને દિલ્હી તથા ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં પણ મોસમનો આવો જ માર પડી રહ્યો છે. આ મોસમમાં વરસાદના કારણે ઠંડી વધી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે હજુ 1-2 દિવસ સુધી આવી જ સ્થિતિ રહેશે.