Page Views: 2689

રસીનો એકપણ ડોઝ નથી લીધો, એમને કોરોનાની અસર ખુબ વધારે

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા બાળકોના રસીકરણ અંગે મીડિયા ઈન્ટરએકશન યોજાયું

ગુજરાત રાજ્યના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, યુનિસેફ- ગુજરાત અને સેન્ટર ફોર કોમ્યુનિકેશન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ, PDEU દ્વારા ૧૫ થી ૧૭ વર્ષની વયના બાળકોના રસીકરણ અંગે ઓનલાઈન મીડિયા ઈન્ટરએકશન યોજવામાં આવ્યું હતું.

ભારત સરકારે તાજેતર માં ૧૫ થી ૧૭ વર્ષ ના બાળકો માટે રસી અને ૬૦+ ની વયના લોકો માટે અને હેલ્થ અને ફ્રન્ટલાઈન વર્કર્સ માટે પ્રિકોશન ડોઝ ચાલુ કર્યો છે. ગુજરાતમાં ૩૫ લાખ જેટલા બાળકો ૧૫ થી ૧૭ વર્ષ ની વચ્ચે છે, જેનો રસીકરણ માટે સમાવેશ કરવામાં આવે છે. એક મહિનાથી ઓછા સમયમાં ૨૫ લાખ જેટલા બાળકોને રસીનો પ્રથમ ડોઝ સરકાર દ્વારા આપી દેવામાં આવ્યો છે. ૧૭ લાખ જેટલા લોકો (૬૦+ વયના)નો પ્રિકોશન ડોઝ માટે સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાંથી ૫૦% થી વધુ લોકો ને રસી નો લાભ મળી ચુક્યો છે.

ડો.નયન જાની, અધિક નિયામક, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકારએ એમના વક્તવ્યમાં જણાવ્યું કે, રાજ્ય સરકારે ખુબ ઝડપથી ગુજરાતના લોકોને રસી મળી જાય એની માટેનું પેહલા દિવસથી આયોજન કરી રાખ્યું છે. વધુમાં, ગુજરાતમાં અત્યારે લગભક ૯૯% ૧૮+ લોકોને કોવીડ રસીનો પ્રથમ ડોઝ મળી ગયો છે. અત્યારે, જયારે ભારત અને ગુજરાત કોરોનાની થર્ડ વેવમાં લડી રહ્યું છે, ત્યારે જેમણે રસીના બંને ડોઝ લીધા છે અને કોરોનાના ચેપથી સંક્રમિત થયા છે એમને કોરોનાની અસર ખુબ ઓછી છે. જલ્દી સ્વસ્થ પણ થઈ જાય છે. રસીનો એકપણ ડોઝ નથી લીધો, એમને કોરોનાની અસર ખુબ વધારે જોવામાં આવી છે.

ડૉ. નિશ્ચલ ભટ્ટ, બાળરોગ નિષ્ણાત અને COVID-19 ઈમ્યુનાઈઝેશન ટાસ્ક ફોર્સના સભ્યએ બાળકોમાં રસી વિષે કહ્યું કે, ૧૫ થી ૧૭ વર્ષના બાળકો જીવનના એક મહત્વના પડાવ પર હોય છે. જેમાં એમના ભવિષ્યનું નિર્માણ થવાનું હોય. એવા સમયએ એ અત્યંત જરૂરી છે કે બાળકો સ્કૂલ જાય, અધ્યાપક અને એમના મિત્રો જોડે મળે અને કોરોનાથી પણ પોતાનો બચાવ કરી શકે. આવા સમયમાં કોરોનાની વૅક્સિન ખુબજ લાભદાયક સાબિત થાય છે.

બાળકો માટે રસી એકદમ સલામત છે અને કોઈ પણ આડઅસર જોવા નથી મળી સિવાય કે રસી વાળા ભાગ પર એક દિવસ માટે બળતરાનો અનુભવ. બાળકોની રસીનો ડોઝ પણ ૧૮+ ના લોકો જેવો જ છે. એટલે એ ખુબ જરૂરી છે કે ૧૫ થી ૧૭ વર્ષના બાળકો કોરોનાની રસીના બંને ડોઝ સમયસર લઈ લે. એવા બાળકો જેમને કોમોર્બિડીટી હોય એમને પણ રસી લેવાથી કોરોન ના ચેપ અને ગંભીરતાથી બચાવી શકાય છે.

યુનિસેફના આરોગ્ય અધિકારી ડો. શ્રવણ ચેનજીએ ગુજરાતમાં કોવિડ-19ની સ્થિતિની વિષે માહિતી આપતા જણાવ્યું કે કોરોનાની ત્રીજી લહેર એટલી ઘાતક નથી. એનો મતલબ એ બિલકુલ નથી કે આપણે માસ્ક પહેરવાનું ભૂલી જઈએ અને સોશ્યિલ ડિસ્ટન્સીન્ગનું પાલન ના કરીએ. બધા જ લોકોએ કોરોના વૅક્સિન સમયસર લેવી જોઈએ અને બંને ડોઝ લેવા જોઈએ. એનાથી આપણે બધા પોતાનો અને પોતાના સ્વજનો નો બચાવ કરી શકીશું .

તેમણે રાજ્ય સરકારના કોવિડ-19 રસીકરણ અભિયાનમાં યુનિસેફના યોગદાન વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે UNICEFએ કોવિડ-19 સંબંધિત ઓક્સિજન જનરેશન પ્લાન્ટ્સ, PPE અને અન્ય જરૂરી સાધનો ઉપરાંત 11,000 રસી કેરિયર્સ પૂરા પાડ્યા છે. યુનિસેફે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને કોવિડ-19 રસીકરણ અભિયાનના આયોજન અને દેખરેખમાં ટેકનિકલ સહાય પૂરી પાડી છે અને સંચાર અને હિમાયતની પહેલને સમર્થન આપ્યું છે.

માહિતી વિભાગ, ગુજરાત સરકારના અમિતસિંહ ચૌહાણે બાળકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને રસીની હિમાયત કરવામાં મીડિયાની ભૂમિકા વિશે વાત કરી. તેમણે કહ્યું, "આપણે એવા યુવા એમ્બેસેડર્સનેને મીડિયામાં પ્રોમોટ કરવા જોઈએ, જેઓ તેમના વય જૂથ સુધી પહોંચવામાં અને જોડાવા માટે મદદ કરી શકે.”

AIESEC ના શ્રી મિહિર દલાનિયાએ COVID-19 જાગૃતિ અને રસીકરણને પ્રોત્સાહન આપવામાં યુવાનોની ભૂમિકા વિશે વાત કરી. તેમણે કોવિડ-19 રસીકરણ અને જાગૃતિ ઝુંબેશ સાથે ગુજરાત સરકાર અને યુનિસેફને  AIESEC- અમદાવાદના સમર્થનની ખાતરી આપી.

કાર્યક્રમ દરમિયાન, યુનિસેફ અને BMGF દ્વારા વિકસાવવામાં આવેલ ‘રહેના હૈ તૈયાર ઔર પુરા ઝિમ્મેદાર’ નામનો પ્રેરણાદાયી મ્યુઝિક વિડિયો વગાડવામાં આવ્યો હતો. મ્યુઝિક વિડિયો સિનેમા, સંગીત અને રમતગમતના અનેક પ્રતિકાત્મક નામો દર્શાવે છે અને લોકોને કોવિડ-19 સામે સાવચેતી રાખવા વિનંતી કરે છે.