વર્તમાનન્યૂઝ.કોમ- દિલીપ વી ઘાસવાલા દ્વારા- સંકલન- નૂતન તુષાર કોઠારી
નીલમ બાવીસ વર્ષની નાજુક નમણી સુકોમળ ઋજુ હ્રદયની યુવતી. આમ તો એને કોઈ તહેવાર ના ગમે. પણ નવરાત્રી એનો પ્રિય તહેવાર. નાની હતી ત્યારથી જ ગરબે રમવાના કોડ. અને કોલેજમાં જયારે એ ગરબે ઘૂમતી , દોઢીયાના થડકારાથી ઘણાં યુવાનોનાં દિલના ધબકારા ચુકાવી દેતી. એની એકવીસ વર્ષની અબોટ કાયા જયારે ચણિયાચોળી પહેરી ગરબે ઘૂમવા નીકળતી ત્યારે જો સાચે જ નજર લાગતી હોય તો, ઓછામાંઓછા સો છોકરાની નજર લાગી જાય. નીલમની માતાએ આથી જ એની સગાઇ એમની જ્ઞાતિના જ છોકરા નિલય સાથે કરી દીધી હતી. નીલમ સાથે મિત્રતા કેળવવા માટે કેટલાય યુવા હૈયાઓની હોડ લાગતી, નીલમ કોઈને મચક નહિ આપતી.
અને નવરાત્રીની પહેલી રાત્રે જ નીલમને સર્વશ્રેષ્ઠ વેશભૂષાનું ઇનામ જાહેર થયું..એ ઇનામ લેવા મંચ પર ગઈ ત્યારે જ એક યુવક વિરાંગે નીલમને વશમાં કરવાનું મનોમન નક્કી કરી લીધું. અને નવરાત્રીની એ પ્રથમ રાત્રી નીલમ માટે એક વળાંક લઈને આવનારી બની રહી. એ જેવી ઇનામ લઈને મંચ પરથી ઉતરી એટલે વિરાંગે કહ્યું;” અભિનંદન મિસ....?” “નીલમ....નીલમ આચાર્ય મારું નામ છે. આભાર. આપ?” “હું ? હું વીરાંગ વીરાંગ ત્રિવેદી. હું કવિ પણ છું. મેં તમારા ઉપર એક કવિતા લખી છે...જયારે તમે ગરબે ઘૂમતા હતા ત્યારે. વાંચી સંભળાવું?” “ચોક્કસ.” ખુશામત તો ખુદાને પણ પ્યારી લાગે. વિરાંગે કહ્યું;
”નીલમ નામે નાર નવેલી,
નાજુક નમણી નખશીખ નખરાળી,
ગરબા કરવા નીકળી એ જ્યાં,
નશીલાં નયન ઢળતા એ નજરાઈ!
નેહ નીતરતી નજર નખરાળી
વીરાંગ નામે નરથી નજરાઈ.”
“વાહ અદ્ભુત, વીરાંગ!” અને વીરાંગ નીલમના મનમાં એક છાપ છોડી મોબાઈલ નંબર આપીને નીકળી ગયો.
બીજા નોરતે ફરી બે જણાં મળ્યાં. ઓરકેસ્ટ્રાના તાલે બે યુવા હૈયા મન મુકીને નાચ્યાં અને ગરબાનો પ્રથમ રાઉન્ડ પૂરો થયો , બીજો રાઉન્ડ ત્રણ તાળીના ગરબાનો હશે એમ જાહેરાત થઈ એટલે વિરાંગે કહ્યું, "નીલમ આમાં દેશી સ્ટાઈલમાં મઝા નહિ આવે એના પછીના ડી.જે રાઉન્ડમાં નાચીશું ચાલ.” એમ કહી હાથ પકડી નીલમને બહાર લઇ આવ્યો. વિરાંગનો સ્પર્શ એને ગમ્યો..એ અંદરથી ઝંકૃત થઇ ગઈ. પહેલી વાર કોઈ પુરુષનો સ્પર્શ પામી હતી. પછી એણે કહ્યું ;”ખુબ તરસ લાગી છે. ઠંડુ પીવા જઈએ?” વિરાંગે આ વખતે જરા જોરથી હાથ દાબીને કહ્યું, "ગુડ આઈડિયા ચાલ તને ઠંડુ પીવા લઇ જાઉં.“અને એનો હુંફાળો સ્પર્શ પામીને નીલમ ખુબ જ ઉત્તેજિત થઇ ગઈ.
બંને જણાં નજીકની હોટેલમાં ગયા. ત્યાં નીલમે વીરાંગને ધારી ધારીને જોયો. વિચાર્યું, 'કેવો સોહામણો છે! મનનો માણીગર બનાવી શકાય એવો છે. એને જોતાં આજે મારું મન મોર બની થનગનાટ કેમ કરવા લાગ્યું? પણ અફસોસ! મારી તો સગાઇ થઇ ગઈ છે. આ મમ્મીના કહેવાથી કરવી પડી. આજે પપ્પા જીવતા હોત તો હું ના પાડી દેત.પણ મારી મા આગળ કોઈનું ક્યાં ચાલે છે?નિલય ક્યાં ને આ વીરાંગ ક્યાં? હા, નિલય ભણેલો છે એન્જીનીયર છે પૈસા પાત્ર છે પણ સાવ વેદિયો છે. પહેલી જ મુલાકાતમાં કહ્યું હતું, "જો નીલમ પહેલાં મારી કેરિયર પછી તું. આ સમય પૈસા કમાવાનો છે પછી આખી જિંદગી મોજ કરીશું. મને કોઈ શોખ નથી અને હું તારા કોઈ શોખની આડે નહિ આવું. તારે લગ્ન પછી મારી બેન અને મમ્મી સાથે રહેવું પડશે. હું મુંબઈમાં નોકરી કરીશ. ત્યાં તને હું ના લઇ જઈ શકું. વિક એન્ડ માં આવતો રહીશ." નિલય ની વાતનો કોઈ વિરોધ ના કરી શકી મમ્મીના કારણે . મમ્મીને મેં કહ્યું પણ હતું કે નિલય તો આવી વાતો કર છે, ત્યારે મમ્મીએ કહ્યું કે એ તો લગ્ન પછી બદલાઈ જશે. તારે જ એને બદલવાનો. મારી મનની ઇચ્છાઓને દાબીને હા પાડી બેઠી.'
અને વિરાંગે નીલમને ખભાથી ઢંઢોળીને કહ્યું, "ઓ મેડમ! ક્યાં ખોવાઈ ગયાં? આ થમ્સ અપ ગરમ થાય છે!” એમ કહી આંખોથી માદક બાણ છોડ્યું અને નીલમ ઘવાઈ ગઈ. વિરાંગે હાથ દાબીને આંખમાં આંખ નાખી સીધું જ પૂછી લીધું;”તું મારી સાથે લગ્ન કરશે?“ નીલમે કહ્યું, ”હા, પણ મારી તો સગાઇ થઇ ગઈ છે, નિલય સાથે.” “નિલય? કોણ નિલય?“ “નિલય ભટ્ટ.“ “ઓ નિલય ભટ્ટ! એ તો 'ઓઝોન' કંપનીમાં જુનિયર ઈજનેર છે. તું એની સાથે લગ્ન કરવાની છે? સાવ નીરસ ને બોચિયો છે." “તું એને કઈ રીતે ઓળખે?" “મેડમ! 'ઓઝોન' કંપનીનો હું માલિક છું.” અને નીલમે એનો નિર્ણય જાહેર કર્યો,”હવે જે થાય તે હું તારી સાથે લગ્ન કરીશ. માલિકને છોડીને નોકર સાથે કોણ લગ્ન કરે?” અને મારકણી આંખે આમંત્રણ આપીને એનો હાથ ચૂમી લીધો. વિરાંગે પણ લુચ્ચી માદક નજરે કહ્યું, ”તો આજની રાત મધુરજની બની રહશે આપણી. આપણે એકવીસમી સદીના યુગલ છીએ." અને નીલમે સંપૂર્ણ સમર્પિત ભાવથી વીરાંગને જાત ધરી દીધી. વીરાંગ નીલમને એના મિત્રના ફ્લેટ પર લઇ જઈને પૂરી રીતે ભોગવી. વહેલી સવારે એને એના ઘરે મૂકી ગયો. પોતાના
ઘરે જઈને નીલમે નિલયને એક છેલ્લો વોટ્સએપ મેસેજ મુક્યો: ”નિલય, મને માફ કરજે. હું હવે તારે લાયક નથી રહી. હું તારી જ કંપનીના માલિક વીરાંગ જોડે લગ્ન કરવાની છું. ગઈ કાલે રાતે જ ગાંધર્વ વિધિ જેવા લગ્ન કરીને મધુરજની પણ માણી ચુક્યા છીએ.. મને માફ કરજે. ગુડ બાય!” મેસેજ સેન્ટની બે ટીક પણ જોઈ મોબાઈલ બંધ કરીને સુઈ ગઈ.
નિલયે સવારે ઉઠીને પહેલો મેસેજ નીલમનો વાંચ્યો અને એ ચકરાઈ ગયો. મેસેજ સાથે વીરાંગ અને નીલમનો ફોટો પણ હતો. ખરેખર તો વીરાંગ કોઈ એનો માલિક જ નહોતો એ તો એક મવાલી, લોફર, ચીટર અને રોડસાઈડ રોમિયો હતો કોલેજના વખતથી એ એને ઓળખતો હતો. કેટલીય છોકરીના શિયળ લૂંટ્યા હશે!
ખુબ જ વ્યથિત હ્રદયે એણે નીલમને બ્લોક કરી દીધી મોબાઈલમાંથી અને જિંદગીમાંથી પણ.
• Share •