Page Views: 2860

રાજ્યમાં સરકારી ભરતીમાં ઉમેદવારોને વય મર્યાદામાં એક વર્ષની છુટનો નિર્ણય

આગામી 31-8-2022 સુધીની ભરતી પ્રક્રિયામાં ભાગ લેનારા ઉમેદવારોને જ લાભ મળશે

ગાંધીનગર-વર્તમાનન્યૂઝ.કોમ

સમગ્ર રાજ્યમાં કોરોનાકાળમાં શિક્ષણ, સરકારી ભરતી પ્રક્રિયા અટકી  ગઈ હતી. જેના કારણે  નવી ભરતીમાં ઉમેદવારોને અન્યાય ન થાય તે માટે સરકારે ભરતીની વય મર્યાદામાં એક વર્ષનો વધારો કર્યો છે. એટલે કે બિન અનામત ઉમેદવારો માટે હવે વય મર્યાદા 36ની રહેશે જ્યારે અનામત ઉમેદવારોની વય મર્યાદા 41 વર્ષની રહેશે. આ નિર્ણય આગામી 31-8-22 સુધીની ભરતી પ્રક્રિયા દરમિયાન જ રહેશે. આ સાથે ટેટની પરીક્ષાની સમય મર્યાદામાં પણ વધારો કરાયો છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ બને એ માટે કોવિડને કારણે પેન્ડિંગ રહેલી પોલીસ વિભાગની ભરતીની કાર્યવાહી ઝડ૫થી થાય એ હેતુથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના ગૃહ વિભાગ હસ્તક વિવિધ પોલીસ સંવર્ગની 27847 જગ્યા ભરવાનો મહત્ત્વનો નિર્ણય કરાયો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહમંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ ટૂંકા સમયગાળામાં 19 સપ્ટેમ્બર 2021ને રવિવારના દિવસે ભરતી બોર્ડના અઘ્યક્ષો સાથે બેઠક યોજીને સવિસ્તૃત સમીક્ષા કરી હતી અને ભરતીપ્રક્રિયા ઝડ૫થી પૂર્ણ કરવા માટે તમામ ભરતી બોર્ડના અઘ્યક્ષોને જરૂરી આદેશો કર્યા હતા.આ નિર્ણયને પગલે હજારો ઉમેદવારોને ફાયદો થશે તેમજ તેનાથી સરકારી નોકરી મેળવવા ઇચ્છતા લોકોને પણ લાભ મળશે. 
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું કે રાજ્યમાં બિનહથિયારી પોલીસ સબ-ઈન્સ્પેક્ટર, હથિયારી પોલીસ સબ-ઈન્સ્પેક્ટર, ઈન્ટેલિજન્સ ઓફિસર, બિનહથિયારી આસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટર, લોકરક્ષક તથા મોટર ટ્રાન્સપોર્ટ અને વાયરલેસ જેવા ટેક્નિકલ સંવર્ગોના પોલીસ સબ-ઈન્સ્પેક્ટર અને ટેક્નિકલ ઓપરેટર તથા હોમગાર્ડ્સ અને ગ્રામ રક્ષકદળની મળીને અંદાજિત 27847 જગ્યા માટે ભરતીનું આયોજન આગામી 100 દિવસમાં કરવાનો રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. ટુંકમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વપુર્ણ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે અને યુવાનોને ખુશ કરવાની દિશામા કાર્યવાહી કરવામાં આવી રહી છે.