Page Views: 5577

ઉમરા પોલીસના વિદ્યાર્થીઓ પરના દમન કેસમાં વિદ્યાર્થી નેતાઓને સમજાવવામાં ભાજપના સ્થાનિક નેતાઓ નિષ્ફળ

સમગ્ર પ્રકરણ પર ઠંડુ પાણી રેડવાના પ્રયાસો સામે રાજ્યની અન્ય યુનિવર્સિટીમાં પણ એબીવીપીએ વિરોધ વ્યક્ત કર્યો- ભાજપના નેતાઓની વાત કાને ન ધરતા ભાજપના જ વિદ્યાર્થી નેતાઓ લડાયક મુડમાં

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના અગ્રણી અને કાર્યકરોએ યોજેલા ગરબામાં ઉમરા પોલીસે ઉત્પાત મચાવ્યો હતો. પરમીશન કોણે આપી એવા સવાલો કરીને એબીવીપીના કાર્યકરોને પોલીસે દોડાવી દોડાવીને દંડા માર્યા હતા. જેમાં વિદ્યાર્થીઓને ઇજાઓ થઇ હતી. આ મામલે પોલીસ દ્વારા હવે હથિયાર નીચે મુકી દેવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને સમજાવવા માટે સ્થાનિક ભાજપના ટોચના નેચાઓ દ્વારા આજે બપોર પછી એવીબીપીના કાર્યકરોને સમજાવીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ વિદ્યાર્થીઓ પર પોલીસે જે દમન ગુજાર્યો છે તેની સામે હવે વિદ્યાર્થી નેતાઓ કોઇ નેતાની શેહ શરમ રાખવા માંગતા નથી.

બીજી તરફ મામલાની સંભીરતના સમજીને યુનિવર્સિટીના કુલપતિ ડો.કે.એન.ચાવડા પણ પોલીસ કમિશનર અજય તોમરને મળ્યા હતા તેમજ સમગ્ર પ્રકરણની તપાસની વિગતો મેળવી હતી. વિદ્યાર્થી નેતાઓ જવાબદાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની માંગણી કરી રહ્યા છે. સાથો સાથ સુરતની ઘટનાના પગલા રાજ્યની અન્ય યુનિવર્સિટીઓમાં પણ પડ્યા છે તેમજ ત્યાં પણ એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા છે.