Page Views: 5924

અઠવા લાઇન્સ કોર્ટ બિલ્ડીંગમાં જવા માટે કૃષિ યુનિ.ની જગ્યામાંથી રોડ ફાળવવા મુખ્યમંત્રીને રજૂઆત

સુરત જિલ્લા વકીલ મંડળના પ્રમુખ બ્રિજેશ પટેલ, ઉપ પ્રમુખ નૈષધ જાસોલિયા સહિતના સભ્યોએ નવ નિયુક્ત મંત્રીઓની શુભેચ્છા મુલાકાત લઇ વિવિધ પ્રશ્નો રજૂ કર્યા

ગાંધીનગર-વર્તમાનન્યૂઝ.કોમ

સુરત જિલ્લા વકીલ મંડળના અગ્રણીઓ આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી સહિતના મંત્રીઓની શુભેચ્છા મુલાકાતે ગયા હતા. બારના અગ્રણીઓ દ્વારા સુરત નવી કોર્ટ બિલ્ડીંગ ખાતે વકીલો અને અસીલોને સતાવતી વાહન પાર્કિંગની સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી હતી તેમજ અન્ય પ્રશ્નોની પણ ઔપચારિક વાતચિત થઇ હતી.

સુરત જિલ્લા વકીલ મંડળના પ્રમુખ બ્રિજેશ પટેલ અને ઉપ પ્રમુખ નૈષધ જાસોલિયાના જણાવ્યા પ્રમાણે, વકીલ મંડળના અગ્રણીઓએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, મહેસુલ, કાયદા અને ન્યાયતંત્ર સહિત સંસદીય બાબતોના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદી સહિતના તમામ મંત્રીઓની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ખાસ કરીને કોરોના કાળ બાદ કોર્ટોની કાર્યવાહી રાબેતા મુજબ શરૂ થઇ ગઇ છે ત્યારે અઠવા લાઇન્સ કોર્ટ બિલ્ડીંગમાં અસીલો તેમજ વકીલોને વાહન પાર્કિંગની સમસ્યાનો સામનો કરવો પડે છે. આવા સંજોગોમાં જો મેઇન રોડ પરથી જે પ્રકારે કોર્ટ બિલ્ડીંગમાં પ્રવેશવાનો માર્ગ છે એ જ પ્રકારે કોર્ટ બિલ્ડીંગની પાછળના ભાગે બ્રીજ નીચે આવેલી નવસારી કૃષિ યુનિવર્સિટીની જગ્યામાંથી  કોર્ટ બિલ્ડીંગમાં પ્રવેશવા માટે  પગપાળા જઇ શકાય એ માટે વકીલો માટે રસ્તો બનાવવામાં આવે અને ગેટ મુકવામાં આવે તો વાહન પાર્કિંગથી માંડીને ટ્રાફિકની સમસ્યામાં મહદ અંશે રાહત મળી શકે તેમ છે. ખાસ કરીને વકીલોને બ્રીફના થેલા લઇને કોર્ટ કેમ્પસમાં જે લાંબુ અંતર કાપવુ પડે છે તેમાં પણ રાહત મળે તેમ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત ગૃહમંત્રી હર્ષ સંઘવી અને રાજેન્દ્ર ત્રિવેદીને પણ આ પ્રશ્ન રજૂ કરવામાં આવ્યો હતો. મંત્રીઓ દ્વારા આ મામલે સકારાત્મક વલણ અપનાવવાની ખાતરી આપવામાં આવી હતી.સુરત જિલ્લા વકીલ મંડળના હોદેદારોની આજની ગાંધીનગર ખાતે મંત્રીઓની શુભેચ્છા મુલાકાત ફળદાયક રહી હોવાનું અગ્રણીઓ જણાવી રહ્યા છે. આ શુભેચ્છા મુલાકાત માટે સુરત ખાતેથી સુરત જિલ્લા વકીલ મંડળના પ્રમુખ બ્રીજેશ પટેલ, ઉપ પ્રમુખ  નૈષધ જાસોલિયા, સેક્રેટરી નિલેશ પટેલ, જોઇન્ટ સેક્રેટરી અમર પટેલ સહિત અગ્રણી હોદેદારો અને  ઓફિસ બેરર પણ જોડાયા હતા.