Page Views: 6221

આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 100 નવા ચહેરા ઉતારશે - સી આર પાટીલના નિવેદનથી ભાજપમાં ખળભળાટ

ધારાસભ્યોની કામગીરી કેવી છે તેના આધારે હાઇકમાન્ડ નિર્ણય કરશે- કોઇને બંધ બેસતી પાઘડી ન પહેરવા સી આર પાટીલનો અનુરોધ

હિંમતનગર-વર્તમાનન્યૂઝ.કોમ

ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી આર પાટીલે આજે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતેના પેજ પ્રમુખ કાર્ડ વિતરણ સમારોબ અને સંવાદ કાર્યક્રમમાં હાજરી આપી હતી. સી આર પાટીલે પોતાના વક્તવ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં 100 નવા ચહેરા ઉતારવાની વાત કહેતા ઉપસ્થિત કાર્યકરો અને ધારાસભ્યોમાં ખળભળાટ મચી ગયો હતો. જો કે, કાર્યકરો અને નેતાઓને આંકરો ડોઝ અપાઇ ગયો હોય એવુ લાગતા સી આર પાટીલે વાતને વળવાનો પ્રયાસ કર્યો હતો તેમજ એવુ પણ જણાવ્યું હતું કે, કોઇએ પણ બંધ બેસતી પાઘડી પહેરીલેવાની આવશ્યકતા નથી. પાર્ટી હાઇ કમાન્ડ દ્વારા ધારાસભ્યોની ટિકીટ નક્કી થતી હોય છે અને તેમાં ધારાસભ્યોની પોતાના વિસ્તારમાં કરેલી કાર્યવાહી સહિત તેમનો જન સંપર્ક કેવો છે તે તમામ બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. આગામી વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી માટેની ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને તેની કવાયતના ભાગ રૂપે જ પેજ પ્રમુખ માટેના આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.

ઉલ્લેખનિય છે કે, હાલમાં જ મંત્રી મંડળમાં નો રિપીટેશન ફોર્મ્યુલા અમલમાં મુક્યા બાદ ભાજપે ગાંધીનગર મહાનગર પાલિકા પર કેસરીયો લહેરાવ્યો છે અને નો રિપીટેશન ફોર્મ્યુલાને રોટેશનમાં લાવીને ભલ ભલા મોટા માથા ગણાતા ધારાસભ્યોને પણ ભાજપ  મોવડી મંડળ ઘરે બેસારી દેવાના મુડમાં હોય એવુ હાલમાં લાગી રહ્યુ છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે, હાલમાં ભાજપ પાસે ગુજરાત વિધાનસભામાં કુલ 103 ધારાસભ્યો છે જે પૈકી 10 નવા ચહેરા ઉતારવાની વાત થાય છે એટલે જે સિટો પર ભાજપના ઉમેદવારો હાર્યા છે ત્યાં ઉમેદવારો બદલાશે અને જે ધારાસભ્યોની કામગીરી નબળી છે તેમને પણ ઘરે બેસારવામાં આવશે એવુ લાગી રહ્યુ છે.