Page Views: 5689

ભાજપના રાજમાં ગરબા યોજનારા એવીબીપીના વિદ્યાર્થી નેતાઓને ઉમરા પોલીસે દોડાવી દોડાવીને માર્યા

યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની પરવાનગી લઇને ગરબા યોજ્યા હોવાની એવીબીપીના વિદ્યાર્થી નેતાઓની દલીલો સામે પોલીસે દંડો પછાડતા રોષ- વિદ્યાર્થીઓને ઉમરા પોલીસ સ્ટેશનના લોકઅપમાં પુરીને ફટકારવામાં આવ્યાનો આરોપ

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેતાઓને ગરબાનું આયોજન કરવાનું ભારે પડ્યુ છે. વિદ્યાર્થીઓને ગઇ રાત્રે ઉમરા પોલીસે દંડા વડે ફટકારીને લોકઅપના હવાલે કર્યા હતા. પાંચ વિદ્યાર્થીને ઇજા થતા તેમણે સિવિલ હોસ્પિટલમાંથી પ્રાથમિક સારવાર લીધી હોવાનું પણ જાણવા મળે છે.

વિગતો અનુસાર, નવરાત્રીના પર્વમાં આરએસએસની ભગીની સંસ્થા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થી નેતાઓ દ્વારા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પાસેથી પરવનાગી લઇને યુનિવર્સિટી કેમ્પસમાં સોમવારે રાત્રે ગરબાનું આયોજન કર્યું હતું. આ સ્થળ પર ગરબા ચાલુ હતા ત્યારે પ્રથમ ઉમરા પોલીસની પીસીઆર વાન આવી હતી અને બાદમાં ઉમરા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. પોલીસે આ ગરબાની પરવાનગી કોણે આપી એવુ કહીને એવીબીપીના વિદ્યાર્થી નેતાઓ સાથે માથાકુટ કરી હતી. બાદમાં ઉગ્ર બોલાચાલી થતા પોલીસે વિદ્યાર્થીઓને યુનિવર્સિટી કેમ્પસમાં દોડાવી દોડાવીને દંડા માર્યા હતા. સાથો સાથ ગાળો ભાંડીને ગરબા બંધ કરાવી દીધા હતા. કેટલાક વિદ્યાર્થીઓને પોલીસે ટીંગાટોળી કરીને વાનમાં બેસારી દીધા હતા અને તેમને ઉમરા પોલીસ સ્ટેશન લઇ જઇને લોકઅપમાં ગોંધીને માર્યા હતા. એવીબીપી દ્વારા આ મામલે સોશિયલ મિડીયામાં વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે. સાથો સાથ પોલીસના મારથી ઇજા પામેલા હિમાલય મહેન્દ્રસિંહ ઝાલા, ઇશાન સિબન ક્રિશ્ચયન, યુવરાજ રમેશ રાજપુરોહિત,, પાર્શિલ હિતેશ જૈન અને મનોજ રવિ તિવારી નામના વિદ્યાર્થીને પોલીસના મારથી ઇજા થતા તેમણે નવી સિવિલ હોસ્પિટલ ખાતે એમએલસી કરાવીને પ્રાથમિક સારવાર લીધી હોવાનું પણ જાણવા મળે છે.

પોલીસના આ અત્યાચાર સામે એવીબીપીના વિદ્યાર્થીઓ રાત્રે જ ઉમરા પોલીસ સ્ટેશન પર દોડી ગયા હતા અને પોલીસ સ્ટેશનને ઘેરીને સૂત્રોચ્ચાર કર્યા હતા. આ મામલે પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે એવી માંગણી પણ એવીબીપી દ્વારા કરવામાં આવી છે.