Page Views: 5823

રફ ડાયમંડની ખરીદી પર બે ટકા લેવી રદ્ કરવા સહિત રૂ.બે હજાર કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડીટ મામલે નાણામંત્રીને જીજેઇપીસીની રજૂઆત

જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલના રીઝ્યોનલ ચેરમેન દિનેશ નાવડિયાએ રાજ્યના નાણામંત્રી કનુ દેસાઇને મળી હીરા ઉદ્યોગકારોની સમસ્યાથી વાકેફ કર્યા

ગાંધીનગર-વર્તમાનન્યૂઝ.કોમ

જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલના ગુજરાત રીઝ્યનના પ્રમુખ દિનેશ નાવડિયા સહિતના પ્રતિનિધીઓ ગાંધીનગર ખાતે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઇને મળ્યા હતા. આ પ્રતિનિધીઓ દ્વારા હીરા ઉદ્યોગને હાલમાં સતાવતા ઇન પુટ ટેક્સ ક્રેડીટ અને રફ ડાયમંડની ખરીદી પરની લેવી અંગે રજૂઆત કરીને પ્રશ્નના યોગ્ય નિકાલ અંગે રજૂઆત કરી હતી.

દિનેશ નાવડિયાએ પ્રાથમિક વિગતો આપતા જણાવ્યું હતું કે, કોરોનાને કારણે સમગ્ર વિશ્વની જે માઇનિંગ કંપનીઓ છે તેમણે ખાણમાંથી રફ ડાયમંડ કાઢવાની કામગીરી પર બ્રેક મારી છે. જેને લઇને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં રફ ડાયમંડની અછત સર્જાઇ છે અને રફ ડાયમંડનો ભાવ પણ સતત વધી રહ્યો છે. બીજી તરફ રફ ડાયમંડની ખરીદી પર બે ટકા લેવી વસુલવામાં આવે છે જેના કારણે હીરા ઉદ્યોગકારોની મુશ્કેલીમાં વધારો થયો છે. જ્યારે જીએસટી અમલમાં આવ્યો ત્યારથી અત્યાસ સુધી જીએસટીની ઇનપુટ ટેક્સ ક્રેડીટ પેટે હીરા ઉદ્યોગકારોના અંદાજે રૂપિયા બે હજાર કરોડ ફસાયેલા છે. આ મોટી રકમ પણ રાજ્ય સરકાર દ્વારા હીરા ઉદ્યોગકારોને પરત કરવામાં આવે તે આવશ્યક છે.

આ મામલે નાણામંત્રીએ સમસ્યાના નીકાલ માટે તુરંત પગલા ભરવાની હૈયા ધરપત આપી હતી. તેમજ જીએસટીના અધિકારીઓ સાથે સમગ્ર પ્રશ્નની ચર્ચા કરીને યોગ્ય ઉકેલની ખાતરી આપી હતી. આજની રજૂઆતમાં જીજેઇપીસીના પ્રતિનિધીઓ સાથે મંત્રી વિનુ મોરડિયા સહિત સુરત પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણા સહિત જીલ્પા શેઠ વિગેરે અગ્રણીઓ જોડાયા હતા.