Page Views: 1063

મંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું ખરાબ રોડ રસ્તાની 90 ટકા કામગીરી પુર્ણ

વોટસએપ પર ખરાબ રસ્તાના ફોટા મંગાવીને તંત્રને દોડતું કરવાનો પ્રયોગ સફળ રહ્યો, આ પ્રયાસો ચાલુ રાખવામાં આવશે- ચોમાસાને કારણે રસ્તા ધોવાયાનું જણાવ્યું માર્ગ અને મકાન મંત્રીએ

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

 ચોમાસાને કારણે સમગ્ર રાજ્યમાં રોડ રસ્તાની હાલત બિસ્માર થઇ ગઇ છે. રાજ્યના મોટા શહેરો ઉપરાંત સ્ટેટ હાઇવે કે નેશનલ હાઇવે ઉપર પણ ઠેર ઠેર રોડ રસ્તા ધોવાઇ ગયા છે ત્યારે રાજ્યના માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ થોડા દિવસો પહેલા જ આ વિભાગનો ચાર્જ લીધા બાદ એક વોટસએપ નંબર જાહેર કરીને લોકોને આ નંબર ઉપર જે તે તુટેલા રોડ રસ્તાના ફોટા સહિત વિસ્તારનું નામ લખવા જણાવ્યું હતું. લોકોએ મોટી સંખ્યામાં આ વોટસએપ નંબર ઉપર ફરિયાદોનો મારો ચલાવ્યો હતો અને શહેરોમાં મહાનગર પાલિકાનું તંત્ર તેમજ ગ્રામ્ય લેવલ પર તાલુકા અને જિલ્લા પંચાયતના તંત્રને મંત્રીએ દોડતું કર્યું હતું. ગત રોજ સુરતમાં પૂર્ણેશ મોદીનું આગમન થયા બાદ ગત રોજ તેમણે સુરતમાં જન આશીર્વાદ યાત્રા પોતાના મત વિસ્તાર સુરત પશ્ચિમ વિસ્તારમાં કાઢી હતી. આજે પત્રકારો સાથેની વાતચિતમાં પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, રાજ્યમાંથી જે રોડ રસ્તા તુટી ગયાની ફરિયાદો મળી હતી તે ખરેખર ખુબ મોટી સંખ્યામાં હતા. અને અમને મળેલી ફરિયાદો પૈકી રોડ રસ્તા રિપેરીંગની 90 ટકા કાર્યવાહી સંપન્ન કરી દીધી છે. મોટા ભાગના તમામ રસ્તાઓ રિપેર કરી દેવામાં આવ્યા છે જેનાથી વાહન ચાલકોને ઓછી મુશ્કેલીનો સામનો કરવા પડશે. તુટેલા રસ્તાની ફરિયાદ કરવા અંગે જે વોટસએપ નંબર આપવામાં આવ્યો છે તેને પણ જારી રાખવામાં આવશે એવુ પણ તેમણે જણાવ્યું હતુ.