Page Views: 4287

સુરતમાં ગરબામાં વેક્સિન લેવી ફરજીયાત પણ મંત્રીઓની રેલીમાં ભીડ એકત્ર થાય તો વાંધો નહીં

સુરતમાં પૂર્ણેશ મોદી અને હર્ષ સંઘવીની રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

કોરોનાની ત્રીજી લહેરની દહેશત હજુ ઓછી નથી થઇ તેમ છતા રાજકીય પાર્ટીઓના જાહેર કાર્યક્રમોમાં બધી છુટ હોય એવુ એકથી વધારે વખત જોવા મળી રહ્યુ છે. લોકોમાં રાજકારણીઓના આ જાહેર તાયફાઓ સામે રોષ છે પરંતુ સત્તા આગળ શાણપણ નકામું એ નાતે લોકો મનમાં સમસમીને બેસી રહે છે. નવરાત્રીના ગરબા રમવામાં માસ્ક પહેરવા ફરજીયાત છે અને બે વેક્સિન લેવી ફરજીયાત છે એવા ફતવા સુરત મહાનગર પાલિકા દ્વારા બહાર પાડવામાં આવે છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના કાર્યક્રમોમાં આ બધા નિયમો અભેરાઇ પર ચડાવી દેવામાં આવતા હોય એવુ વારંવાર જોવા મળી રહ્યુ છે. સુરત શહેરમાં રવિવારના રોજ ગૃહમંત્રી હર્ષ સંઘવી અને માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીની રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા હતા પરંતુ તેમાં કોઇ સ્થળે સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવ્યુ ન હતું.

ગરબા રમવામાં બે વેક્સિન લેવી ફરજીયાત અને 400 ખૈલયાઓની મર્યાદા નક્કી કરનારા તંત્રએ સુરતના બે મંત્રીઓની જન આશીર્વાદ યાત્રામાં આ નિયમની ફાઇલને અભેરાઇ પર ચડાવી દીધી હોય એવુ લાગતું હતું. મંત્રી બન્યા બાદ સુરતમાં પધારેલા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જન આશીર્વાદ યાત્રા પીપલોદ કારગીલ ચોકથી કાઢી હતી જે અલથાણ ખાતે પુર્ણ થઇ હતી. જ્યારે માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીની જન આશીર્વાદ યાત્રા સારોલીથી નીકળી હતી અને વાયા જહાંગીરપુરા, રામનગર, અડાજણ પાટીયા, ગુજરાત ગેસ સર્કલથી જલારામ નગર સુધી ફરી હતી. આ બન્ને રેલીમાં ભાજપના હજારો કાર્યકરો ઉમટી પડ્યા હતા. મોટા ભાગના લોકોએ માસ્ક પણ પહેર્યા ન હતા અને ભીડ એટલી મોટી હતી કે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. સવાલ એ થાય છે કે, સુરત શહેરના સામાન્ય નાગરિકોને માસ્ક વગર ફરવાનો અધિકાર નથી અને તેમની પાસેથી દંડ લેવામાં પોલીસ કે પાલિકા પાછું વાળીને જોતા નથી પરંતુ ભાજપના જાહેર કાર્યક્રમોમાં કાર્યકરો મનસ્વી રીતે કોરોનાની ગાઇડ લાઇનનો ભંગ કરે તો તેની સામે પોલીસ અને પાલિકાવાળાઓ આંખ આડા કાન કરે છે. લોકોમાં એક પ્રકારનો રોષ જોવા મળી રહ્યો છે.