Page Views: 9920

સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા નિર્માણાધિન હોસ્ટેલનું ભૂમિ પૂજન વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરશે

દશેરાના દિવસે ભવ્ય કાર્યક્રમ યોજાશે

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા વાલક પાટિયા ખાતે 200 કરોડના ખર્ચે નિર્માણ થનારી હોસ્ટેલનું ભૂમિપૂજન 15 ઓક્ટોબર દશેરાના શુભ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વીડિયો-કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવશે. મુખ્ય નામકરણ દાતા હંસરાજ ગોંડલિયા પરિવાર, વલ્લભ લખાણી તેમજ હોસ્ટેલ પ્રોજેક્ટના મુખ્ય દાતાઓ ખાસ હાજર રહેશે. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ કાનજી ભાલાળાએ જણાવ્યું હતું કે સુરતમાં નિર્માણ થઇ રહેલી હોસ્ટેલ એ માત્ર હોસ્ટેલ નહીં, પરંતુ પટેલ સમાજ માટે મહત્ત્વનું કેન્દ્ર બની રહેશે. સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી થશે. સુરત ઉપરાંત ગામડાંનાં બાળકોને સીએ, સીએસ કે સરકારી નોકરી માટે પરીક્ષાની તૈયારી માટે પટેલ સંકુલ આશીર્વાદરૂપ નીવડશે. હોસ્ટેલનું પ્રથમ તબક્કાનું કાર્ય બે વર્ષમાં પૂર્ણ થશે. ત્યાર બાદ 2022ના અંતમાં 500 બહેનો માટેની હોસ્ટેલનો બીજો તબક્કો શરૂ થશે, જે 2024ના અંત સુધીમાં નિર્માણ થશે. ઉચ્ચ શિક્ષણ માટે વર્તમાન સમયને ધ્યાનમાં લઇ તમામ પ્રકારની સુવિધા અપાશે. તાલીમ, માર્ગદર્શન અને પ્રોત્સાહન માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. હોસ્ટેલની સાથે-સાથે 500 બેઠક ધરાવતું કેશુભાઈ પટેલ ઓડિટોરિયમ તૈયાર થશે. પાટીદાર ગેલરી તૈયાર કરાશે, જેમાં છેલ્લાં બે હજાર વર્ષના ઇતિહાસને મૂર્તિમંત્ર કરાશે. સરકારી સહાય માર્ગદર્શન કેન્દ્ર વિવિધ સંગઠનોની સેવાપ્રવૃત્તિના સંકલન માટે સેવા સેતુ સેન્ટર અને યુવા ઉદ્યોગ સાહસિકો માટે બિઝનેસ કનેક્ટ સેન્ટર પણ શરૂ કરાશે. એક હજાર વિદ્યાર્થી માટે હોસ્ટેલ સુવિધા બનશે. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના આ ડ્રીમ પ્રોજેક્ટને સમયસર પુર્ણ કરવા માટે સમાજના લોકો તત્પર બન્યા છે અને આગામી સમયમાં સર્વ સમાજ માટે આ પ્રોજેક્ટ પ્રેરણા રૂપ બનશે એવી આશા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ કાનજીભાઇ ભાલાળા દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.