Page Views: 11430

મા ની મરજી વીણ ફરકે નહીં એકેય પાન, સોને મઢેલો ચુડલો, ને માથે સોહે પાઘ.

રઢિયાળી રાતમાં, ચાચરના ચોકમાં , સહિયરના સાથમાં રે... હો... મા તું રમવાને આવજે

વર્તમાનન્યૂઝ.કોમ-સંકલન-નૂતન તુષાર કોઠારી

ગરબો મુકો ગબ્બર ગોખમાં

×××××××××××××××××××

માનો ગરબો મુકો ગબ્બર ગોખમાં,

સજી સોળ શણગાર ,ઘૂમો ગબ્બર ગોખમાં.

 

ચૂંદલડીમાં ચમકે રૂપ મઢેલી રાત,

મૂકી શિરે ગરબો રૂમઝુમો નવ રાત.

 

જોગમાયાના અંગે અંગે નીતરે ઉમંગ,

લાગી હોડ કોણ રમે,જોગણી સંગ ?

 

મા ની મરજી વીણ ફરકે નહીં એકેય પાન,

સોને મઢેલો ચુડલો, ને માથે સોહે પાઘ.

 

મા તારા રૂપની ના જડે ક્યાંય જોડ,

મા જોડ રમવાને, લાગી છે હોડ.

 

મા તારો ગરબો પ્રકટે , ચાચર ચોકમાં,

મા નો ગરબો મુકો ગબ્બર ગોખમાં.

:- દિલીપ વી. ઘાસવાળા

****************************************************************

રઢિયાળી રાત 

----------------

રઢિયાળી રાતમાં, ચાચરના ચોકમાં ,

સહિયરના સાથમાં રે... 

હો... મા તું રમવાને આવજે .. .

 

ચોક સજાવશું, ગરબો પધરાવશું ,

મોતીડાં તારા રાહમાં વેરાવશું, 

સહિયરના સાથમાં રે... 

હો.. મા તું રમવાને આવજે ...

 

સોનાના બાજોઠ પર તમને બેસાડશું, 

નવલા નૈવેદ્ય મા તમને ધરાવશું 

સહિયરના સાથમાં રે... 

હો.. મા તું રમવાને આવજે .. 

 

નવરંગી ચુંદડીથી તમને સજાવશું, 

સોનાના હાર માતા તમને પહેરાવશું,  

સહિયરના સાથમાં રે ... 

હો.. મા તું રમવાને આવજે ...

 

આરતી ઉતારશું અને વંદન કરશું ,

સ્નેહાશિષ માતા, તારા મેળવશું, 

સહિયરના સાથમાં રે... 

હો.. મા તું રમવાને આવજે... 

 

રઢિયાળી રાતમાં, ચાચરના ચોકમાં, 

સહિયરના સાથમાં રે... 

હો... મા તું રમવાને આવજે.. 

:- જાગૃતિ કૈલા, "ઊર્જા"

****************************************************************

ગરબો

××××××××××××××××××××

જગદંબા માડી તમે આવજો હો .... લાખેણાં આશિષ દેવા. અક્ષત કંકુ થી તમને વધાવું,

 હીરાનાં બાજઠીયે તમને બેસાડું. ગરબે રમવાને આવજો હો .... લાખેણાં આશિષ દેવા .

આંગણીયે રુડાં ગરબા ગવાય. રુમઝૂમ પગલે માડી પધારો .

પ્રથમ તારી આરતી ઉતારું

આશિષ અમને દેજો રે...

  તારા ચરણોમાં દંડવત્ પ્રણામ કરવા છે મારે મસ્તક નમાવી.

 ફૂલડે વધાવું ને મોતીડે વધાવું 

   માડી તને મોંઘેરાં આવકાર આપું.

  માડી તમે આવોને લાખેણાં આશિષ દેવાં.

 :-વિભૂતિ દેસાઈ ઘાસવાલા, બિલીમોરા .

****************************************************************

*ગરબો*

--------------'-----

આઈના ગોખ છે નિત્ય ઉઘાડા,આવો ને બાઈયું ગરબે ઘૂમવાં.

માને આંગણ નથી કોઈ વાડા,આવોને બાઈયું ગરબે ઘૂમવાં.

 

ચાચર ચોકમાં સાથિયા પૂરાવ્યાં.

શેરી વળાવીને સજ્જ કરાવ્યાં.

રૂમઝૂમ રૂમઝૂમ આવે માના ગાડા,આવોને બાઈયું ગરબે ઘૂમવાં.

 

મોતીડે માના ચોક પૂરાવ્યાં.

સોને મઢાવીને ગરબે પધરાવ્યાં.

આવ્યાં નોરતાના નવલાં દા'ડા,આવોને બાઈયું ગરબે ઘૂમવાં.

 

સરખે સરખી સાહેલડી મળીને,

નવે નવ એ તો રાતલડી રમીને,

તાલે વાગે છે નગારા,આવોને બાઈયું ગરબે ઘૂમવાં.

 

દેવી દેવાંગનાઓ આનંદે નાચે,

આશિષ બાળકો મા પાસે જાચે,

લળી લળી ગુણલાં ગાતાં,આવોને બાઈયું ગરબે ઘૂમવાં.

:- દેવીબેન વ્યાસ-વસુધા-સુરેન્દ્રનગર

**************************************************************

*દુર્ગાના નવરાત્રીનાં નવસ્વરૂપ*

આવ્યાં નવલાં નોરતાં માડી ગરબે ઘૂમવા નિસર્યા.

નવ દુર્ગાઓનાં નોરતાં માડી ગરબે ઘૂમવા નિસર્યા.

પ્રથમ નોરતે મા શૈલપુત્રી સ્વરૂપે પધાર્યા, 

બીજાં નોરતે મા બ્રહ્મચારિણી સ્વરૂપે પધાર્યા,

ત્રીજા નોરતે મા ચંદ્રઘંટા સ્વરૂપે પધાર્યા.

નવ દુર્ગાઓનાં નોરતાં માડી ગરબે ઘૂમવા નિસર્યા.

ચોથે નોરતે મા કુષ્માંડા સ્વરૂપે પધાર્યા,

પાંચમે નોરતે મા સ્કંધમાતા સ્વરૂપે પધાર્યા,

છઠ્ઠે નોરતે મા કાત્યાયની સ્વરૂપે પધાર્યા.

નવદુર્ગાઓનાં નોરતાં, માડી ગરબે ઘૂમવા નિસર્યા.

સાતમે નોરતે મા કાલરાત્રી સ્વરૂપે પધાર્યા,

આઠમે નોરતે મા મહાગૌરી સ્વરૂપે પધાર્યા,

નવમે નોરતે મા સિદ્ધિધાત્રી સ્વરૂપે પધાર્યા.

નવદુર્ગાઓનાં નોરતાં, માડી ગરબે ઘૂમવા નિસર્યા.

:- પારૂલ નાયક. "શ્યામકૃતિ" અમદાવાદ.