Page Views: 5646

આપના ઉમેદવારોની ડિપોઝીટ ડુલ થતા કેઝરીવાલે સ્ટેટ ટીમના તમામ મેમ્બરોને તાકીદની મીટીંગ માટે દિલ્હી બોલાવ્યા

નિષ્ફળતાના કારણો સહિત ક્યાં કચાશ રહી ગઇ તેની ચર્ચા કરવામાં આવશે

ગાંધીનગર-વર્તમાનન્યૂઝ.કોમ

સુરત મહાનગર પાલિકામાં જોરદાર દેખાવ કરીને આમ આદમી પાર્ટીએ 27 બેઠકો મેળવી હતી અને આમ આદમી પાર્ટી તેનો બેઝ ગુજરાતમાં મજબુત કરશે એવા ઇરાદા સાથે સંગઠન મજબુત કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. આપમાં મહેશ સવાણી અને ઇશુદાન ગઢવી સહિતના જાણીતા ચહેરાઓને પણ સક્રિય કરાયા છે તેમજ સૌરાષ્ટ્રમાં અને સુરતમાં બેઝ વધુને વધુ મજબુત કરીને સારો દેખાવ કરવા માટે સતત પ્રયાસો થઇ રહ્યા છે. ત્યારે તાજેતરમાં જ રાજ્યમાં થયેલી ગાંધીનગર મહાનગર પાલિકાની અને અન્ય નગર પાલિકાઓની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીનું ધોવાણ થઇ ગયુ છે. એક માત્ર સમ ખાવા પુરતી ગાંધીનગરમાં આપના એક ઉમેદવાર વિજેતા જાહેર થયા છે એ સિવાય મોટા ભાગની બેઠકો પર આપના ઉમેદવાર સારો દેખાવ કરી શક્યા નથી. આ સ્થિતિમાં આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ, મનિષ સિસોદિયા સહિતના નેતાઓએ આપની ટીમ ગુજરાતને આવતીકાલે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં દિલ્હી દરબારમાં હાજર થવાનું કહ્યુ છે. તાકીદની આ મિટીંગમાં આપના અગ્રણી અરવિંદ કેજરીવાલ ગુજરાત આપના અગ્રણી મહેશ સવાણી સહિત ઇશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, રાજભા ઝાલા, પ્રવિણ રામ, અજીત લિખીત, મનિષા ખુંટ વિગેરે અગ્રણીઓના ક્લાસ લેશે તેમજ આ નિષ્ફળતા પાછળના કારણો શું છે તેની ચર્ચા વિચારણા કરશે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં આપ મજબુત વિરોધ પક્ષ તરીકે ગાંધીનગરમાં બેસવાની તૈયારીમાં છે અને તેના માટેની વ્યુહ રચનાઓ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી હોવાનું પણ માનવામાં આવે છે.