Page Views: 1155

આત્મનિર્ભર મહિલા અભિયાન એકઝીબીશન’ના બીજા તબકકાનું ધારાસભ્ય સંગીતા પાટીલના હસ્તે ઉદ્‌ઘાટન

કોરોના કાળમાં મહિલા ઉદ્યોગ સાહસિકોના ગૃહ ઉદ્યોગો પડી ભાંગ્યા હતા ત્યારે મહિલાઓ આત્મનિર્ભર બની શકે તે હેતુથી ચેમ્બર તથા શ્રી સુરતી મોઢ વણિક સમસ્ત પંચ દ્વારા હાથ ધરાયેલો પ્રયાસ અદ્‌ભુત છે : ધારાસભ્ય સંગિતા પાટીલ

સુરત. વર્તમાનન્યૂઝ.કોમ

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની લેડીઝ વીંગ અને શ્રી સુરતી મોઢ વણિક સમસ્ત પંચના સંયુકત ઉપક્રમે પાલ રોડ સ્થિત હોટલ ટીજીબીની ગલીમાં સૂર્યમ રેસીડેન્સીની પાસે શ્રી સુરતી મોઢ વણિક સમસ્ત પંચ વાડી ખાતે ‘આત્મનિર્ભર મહિલા અભિયાન એકઝીબીશન યોજાયું છે. એકઝીબીશનના પ્રથમ તબકકાને શહેરીજનોનો જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો. આથી બુધવાર, તા. ૪ ઓકટોબરથી પ ઓકટોબર, ર૦ર૧ દરમ્યાન એકઝીબીશનના બીજા તબકકાનો પ્રારંભ થયો છે. જેનું ઉદ્‌ઘાટન ધારાસભ્ય સંગિતા પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું. 

ધારાસભ્ય સંગિતા પાટીલે જણાવ્યું હતું કે, દેશમાં ઘણી મહિલાઓ ગૃહ ઉદ્યોગ થકી રોજગારી મેળવે છે અને પરિવારનું ભરણપોષણ કરે છે. પરંતુ કોરોના કાળમાં આવી મહિલાઓનો ગૃહઉદ્યોગ પડી ભાંગ્યો હતો. તેઓને જીવન નિર્વાહ કરવાનું પણ મુશ્કેલ થઇ પડયું હતું. એવા સંજોગોમાં ચેમ્બર તથા શ્રી સુરતી મોઢ વણિક સમસ્ત પંચ દ્વારા મહિલા ઉદ્યોગ સાહસિકોને ફરીથી આત્મનિર્ભર બનાવવા માટે ‘આત્મનિર્ભર મહિલા અભિયાન એકઝીબીશન થકી જે પ્રયાસ કરવામાં આવ્યો છે તે અદ્‌ભૂત છે. 

આજના ઉદ્‌ઘાટન સમારોહમાં શ્રી સુરતી મોઢ વણિક સમસ્ત પંચના વાઇસ પ્રેસિડેન્ટ ધર્મેશ તમાકુવાલાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ચેમ્બરની લેડીઝ વીંગના સેક્રેટરી મનીષા બોડાવાલાએ એકઝીબીશન વિશે માહિતી આપી હતી. શ્રી સુરતી મોઢ વણિક સમસ્ત પંચ મહિલા મંડળના પ્રમુખ અમિષા ગાંધીએ સમારોહનું સંચાલન કર્યું હતું. જ્યારે ચેમ્બરના ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલા, માનદ્‌ મંત્રી દીપકકુમાર શેઠવાલા, ગૃપ ચેરમેન નિખિલ મદ્રાસી અને લેડીઝ વીંગના ચેરપર્સન રમા નાવડિયાએ પ્રાસંગિક વિધી કરી હતી. આ સમારોહમાં ચેમ્બરની મેનેજિંગ કમિટીના સભ્યો અને શ્રી સુરતી મોઢ વણિક સમસ્ત પંચના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહયા હતા. અંતે શ્રી સુરતી મોઢ વણિક સમસ્ત પંચ મહિલા મંડળના સભ્ય દીપા તમાકુવાલાએ સર્વેનો આભાર માની સમારોહનું સમાપન કર્યું હતું. 

આત્મનિર્ભર મહિલા અભિયાન એકઝીબીશનના બીજા તબકકામાં પણ ૬૦થી વધુ મહિલા ઉદ્યોગ સાહસિકો દ્વારા ભાગ લીધો છે. એકઝીબીશનનો સમયગાળો બપોરે ૧રઃ૦૦ કલાકથી રાત્રે ૦૮:૦૦ કલાક સુધીનો રહેશે. એકઝીબીશનમાં મહિલાઓ દ્વારા ઓકસીડાઇઝડ જ્વેલરી, ટ્રેડીશનલ ડ્રેસીસ, ડિઝાઇનર ડ્રેસ મટિરિયલ, ઇમીટેશન જ્વેલરી, ડિઝાઇનર ચોકલેટ બોકસીસ અને એન્વેલપ્સ, બટવા, ટ્રેડીશનલ ફૂટવેર, મોબાઇલ કવર્સ, બેગ્સ, હોમ કેર એન્ડ ડેકોર પ્રોડકટ્‌સ, એમ્બ્રોઇડરી મટિરિયલ્સ અને હેન્ડી ક્રાફટ, આર્ટ એન્ડ ક્રાફટ, ગીફટ આઇટમ્સ, જયપુરી મટિરિયલ્સ, ડિઝાઇનર સારીઝ, તકીયા તેમજ તકીયાના કવર, રૂમાલ, ફૂડ આઇટમ્સ (ફાસ્ટ ફૂડ, નમકીન, મીઠાઇ, કેકસ, કપ કેકસ), લેમ્પ એન્ડ કેન્ડલસ, પૂજા થાળ, બ્યુટી પ્રોડકટ્‌સ, મહેંદી, કવીલીંગ આર્ટ, પટીયાલા, દુપટ્ટા, કુર્તી, કોટી, ડ્રાઇ કલીનર્સ વિગેરેનું વેચાણ કરવામાં આવી રહયું છે.