Page Views: 14315

કળિયુગના રાવણ અરવિંદ ત્રિવેદી રામ ચરણ પામ્યા

ગુજરાતી ફિલ્મોના સુપર સ્ટાર અરવિંદ ત્રિવેદીએ મુંબઇ ખાતે અંતિમ શ્વાસ લીધા- સવારે દહાનુકરવાડી સ્મશાન ઘાટ ખાતે અંતિમ વિધી કરવામાં આવી

મુંબઇ-વર્તમાનન્યૂઝ.કોમ

રામાનંદ સાગરની વિશ્વ પ્રસિધ્ધ ટીવી સિરિયલ રામાયણમાં રાવણનું પાત્ર ભજવનારા પીઢ અભિનેતા અરવિંદ ત્રિવેદીનું લાંબી માંદગી બાદ મુંબઇ ખાતે દુઃખદ અવસાન થયું છે.

આજે એટલે કે, બુધવારે સવારે મુંબઈના દહાનુકરવાડી સ્મશાન ઘાટ ખાતે અરવિંદ ત્રિવેદીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેઓ છેલ્લા ઘણાં સમયથી બીમાર હતા અને ગત રાત્રિએ હાર્ટ એટેકના કારણે તેમનું અવસાન થયું હતું. તેમના ભત્રીજા કૌસ્તુભ ત્રિવેદીએ અરવિંદ ત્રિવેદીના મૃત્યુની પૃષ્ટિ કરી હતી.  રામાયણમાં શાનદાર અભિનય કરનારા અરવિંદ ત્રિવેદીના અન્ય કેટલાય પાત્રો પણ ખૂબ જ પ્રશંસા પામ્યા હતા. તેમણે ટીવી ધારાવાહિક 'વિક્રમ ઓર વૈતાળ'માં પણ કામ કર્યું હતું. તે શો પણ ઘણાં લાંબા સમય સુધી નાના પડદે છવાયેલો રહ્યો હતો. અરવિંદ ત્રિવેદીનો જન્મ મધ્ય પ્રદેશના ઉજ્જૈન શહેર ખાતે થયો હતો. તેમણે ગુજરાતી રંગમંચ દ્વારા પોતાની કરિયરની શરૂઆત કરી હતી. તેમના ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદી પણ ગુજરાતી સિનેમાનું ચર્ચિત નામ રહ્યા છે અને ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરી ચુક્યા છે. અરવિંદ ત્રિવેદીને ગુજરાતી ભાષાની ધાર્મિક અને સામાજીક ફિલ્મો દ્વારા ગુજરાતી દર્શકોમાં ઓળખાણ મળી હતી અને તેમણે 40 વર્ષ સુધી પોતાનું યોગદાન આપ્યું હતું. તેમને શાનદાર અભિનય માટે અનેક પુરસ્કાર પણ મળેલા હતા. કોરોનાના લોકડાઉન દરમિયાન ટેલિવિઝન પર ફરીથી રામાયણ શોનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. જોકે અરવિંદ ત્રિવેદી ઘણા લાંબા સમયથી બીમાર હોવાથી તેમના મૃત્યુની અફવા પણ ઉડી હતી. ત્રિવેદીએ ઓછામાં ઓછી 300 હિંદી અને ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું હતું. 2002માં તેમને સેન્ટ્રલ બોર્ડ ફોર ફિલ્મ સર્ટિફિકેશનના એક્ટિંગ ચેરમેન પણ બનાવવામાં આવ્યા હતા. તેઓ 1991માં ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર સાંસદ પણ બન્યા હતા અને 5 વર્ષ સુધી પદ પર રહ્યા હતા. ગુજરાતી ફિલ્મોના સુવર્ણ કાળ દરમ્યાન અરવિંદ ત્રિવેદીએ સકારાત્મક અને નકારાત્મક ભૂમિકાઓ ભજવીને પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી. તેમજ વેવિશાળ નામની ઝવેરચંદ મેઘાણીની નવલકથા પરથી બનેલા નાટકના હજારો શો દેશ વિદેશમાં ભજવાયા હતા. અરવિંદ ત્રિવેદીની ચીર વિદાય સાથે ગુજરાતી ફિલ્મ અભિનેતાઓની એક આખી પેઢી અસ્ત થઇ છે.