Page Views: 8926

દસ વર્ષ બાદ પ્રથમ વખત ગાંધીનગર મહાનગર પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો – કોંગ્રેસ-આપનો સફાયો

સી આર પાટીલ અને નવ નિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ લિટમસ ટેસ્ટમાં પાસ – ભાજપ કાર્યાલયો પર ઉજવણીનો માહોલ

ગાંધીનગર-વર્તમાનન્યૂઝ.કોમ

ગાંધીનગર મહાનગર પાલિકાની સ્થાપના થયા બાદ પ્રથમ વખત ભાજપનો ભગવો લહેરાશે. આજે હાથ ધરવામાં આવેલી  મતગણતરીમાં ભાજપના ઉમેદવારો ભવ્ય વિજય તરફ આગળ વધી રહ્યા છે.  શરુઆતની મતગણતરીના ટ્રેન્ડને જોતા ભાજપ 10 વર્ષમાં પહેલી વખત પાટનગરમાં સ્પષ્ટ બહુમતી સાથે સત્તા મેળવવા જઈ રહ્યુ છે. બીજી તરફ કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે અને આમ આદમી પાર્ટીનો પણ કરુણ રકાસ થયો છે. બપોરના એક વાગ્યાના આંકડા પ્રમાણે ગાંધીનગરની 44 બેઠકો પૈકી 35 બેઠકો પર ભાજપ આગળ છે અને 2 બેઠક પર કોંગ્રેસને અને એક બેઠક પર આમ આદમી પાર્ટીને સરસાઈ મળેલી છે. ગાંધીનગરની ચૂંટણી માટે 56 ટકા મતદાન થયુ હતુ.ભાજપના પ્રમુખ સીઆર પાટીલ તેમજ નવા વરાયેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો વિષય હતી.જોકે આ લિટમસ ટેસ્ટમાં તેઓ પાસ થયા હોવાનુ દેખાઈ રહ્યુ છે. ગાંધીનગરમાં ભવ્ય જીત મળતી દેખાઈ રહી હોવાથી ભાજપમાં ખુશી જોવા મળી રહી છે. પ્રદેશ કાર્યાલય કમલમ પર ભાજપ દ્વારા ભવ્ય ઉજવણી કરવાની જાહેરાત થઈ છે. સાથો સાથ સમગ્ર રાજ્યમાં પણ નગર પાલિકાની ચૂંટણીઓમાં કોંગ્રેસનો સફાયો થઇ ગયો છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોનો પણ કરૂણ રકાસ થયો છે.