Page Views: 3046

મહિલા ઉદ્યોગ સાહસિકોને પોતાના પ્રોફેશનલ પ્રેઝન્ટેશન વિશે માર્ગદર્શન અપાયુ

ચેમ્બરના વિમેન આંત્રપ્રિન્યોર સેલ અને લેડીઝ વીંગના સંયુકત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો

સુરત. વર્તમાનન્યૂઝ.કોમ

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગુરૂવાર, તા. ૩૦ સપ્ટેમ્બર, ર૦ર૧ના રોજ ‘સ્ટાઇલ યોર ઓન મેકઅપ’ વિષય ઉપર સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ જાણીતા મેકઅપ આર્ટીસ્ટ કવિતા જિથરાએ મહિલા ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન આપ્યું હતું. કવિતા જિથરાએ જણાવ્યું હતું કે, મહિલા ઉદ્યોગ સાહસિકો કોઇપણ પ્રોડકટનું પ્રેઝન્ટેશન અથવા માર્કેટીંગ કરે તે પહેલાં તેઓ એક મહિલા ઉદ્યોગ સાહસિક તરીકે પોતાને કેવી રીતે રજૂ કરે છે તે ખૂબ જ મહત્વનું છે. પોતાને મહિલા ઉદ્યોગ સાહસિક તરીકે વ્યવસ્થિત રીતે રજૂ કરી શકશે ત્યારબાદ જ તેઓની પ્રોડકટના પ્રેઝન્ટેશનનું મહત્વ વધશે. આથી તેમણે મહિલા ઉદ્યોગ સાહસિકોએ પોતાને તથા તેઓની પ્રોડકટને કઇ રીતે રજૂ કરવી તે વિશે વિસ્તૃત સમજણ આપી હતી. તેમણે ઓછા બજેટમાં ટેકનિકલી મેકઅપ કઇ રીતે હેન્ડલ કરવું તેના વિશે પણ લાઇવ ડેમોન્સ્ટ્રેશન થકી માહિતી આપી હતી.

ઉપરોકત સેશનમાં ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતી, ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલા, માનદ્‌ મંત્રી દીપકકુમાર શેઠવાલા અને ગૃપ ચેરમેન નિખિલ મદ્રાસીએ પ્રાસંગિક વિધી કરી હતી. ચેમ્બરના વિમેન આંત્રપ્રિન્યોર સેલના ચેરપર્સન જ્યોત્સના ગુજરાતીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ચેમ્બરના ગૃપ ચેરપર્સન ડો. બંદના ભટ્ટાચાર્યએ સમગ્ર સેશનનું સંચાલન કર્યું હતું. ચેમ્બરની લેડીઝ વીંગના ચેરપર્સન રમીલા નાવડિયાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. જ્યારે વિમેન આંત્રપ્રિન્યોર સેલના એડવાઇઝર સ્વાતિ શેઠવાલાએ વકતાનો પરિચય આપ્યો હતો. અંતે લેડીઝ વીંગના સેક્રેટરી મનીષા બોડાવાલાએ સર્વેનો આભાર માની કાર્યક્રમનું સમાપન કર્યું હતું.