Page Views: 5146

રાજ્યમાં ધો-એકથી પાંચના વિદ્યાર્થીઓ માટે ઓફ લાઇન શિક્ષણ શરૂ કરવા સ્વ-નિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા રજૂઆત

ત્રીજી લહેર આવવાની સંભાવના ઓછી થઇ છે ત્યારે દિવાળી પહેલા વર્ગો શરૂ થાય તો વિદ્યાર્થીઓને લાભ થશે- દિપક રાજ્યગુરૂ

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

કોરોના સંક્રમણ શરૂ થતાની સાથે જ સૌથી વધુ કોઈને અસર થઇ હોય તો તે શિક્ષણ ક્ષેત્રે થઈ છે. બાળકોના આરોગ્યની ચિંતા કરીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા શાળાઓ સૌથી પહેલા બંધ કરી હતી અને અત્યાર સુધી પણ ધોરણ 1થી 5ના વર્ગો ચાલુ કરવા કે કેમ તે અંગેની કોઈ જાહેરાત કરી નથી. ત્યારે સુરત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા લેખિતમાં કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે કે ધોરણ 1થી 5ના ઓફલાઈન વર્ગો શરૂ કરી દેવા જોઈએ. જેથી બાળકોને દિવાળી પહેલાથી જ યોગ્ય શિક્ષણ આપવાની શરૂઆત થઈ શકે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રવક્તા દિપક રાજ્યગુરુએ જણાવ્યું કે શહેરમાં કોરોના સંક્રમણ લગભગ નિયંત્રણમાં આવી ગયું છે. શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાની જરૂરિયાત જણાઈ રહી છે. બાળકોના આરોગ્યની ચિંતા કરીને સરકારે જે નિર્ણય અત્યાર સુધી લીધા છે તેને અમે સ્વીકારીએ છે. પરંતુ હવે ધોરણ 1થી 5ના વર્ગો પણ શરૂ કરવામાં આવે તેવી અમે માંગ કરી રહ્યા છે. દિવાળી પહેલા વર્ગખંડ શરૂ થઈ જાય તો બીજા સત્રની અંદર બાળકોને ભણવામાં સરળતા રહેશે અને રાબેતા મુજબ જે ધોરણના પહેલા સ્થિતિ હતી. તે જ પ્રકારની સ્થિતિમાં વિદ્યાર્થીઓને બેસાડીને શાળામાં શિક્ષણકાર્ય શરૂ થઈ જશે. બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સરકારે આ દિશામાં ઝડપથી નિર્ણય લેવો જોઈએ.