Page Views: 5446

દુબઇમાં સુરત ડાયમંડ બુર્સની ઓફીસો ઓન ડિમાન્ડ- ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં રોકાણકારોએ બુર્સમાં ઓફીસ ખરીદવા માટે તૈયારી દર્શાવી

વિશ્વના અગ્રણી હીરા ઉદ્યોગકારો સુરતના ડાયમંડ બુર્સથી પ્રભાવિત થયા- દિનેશ નાવડિયા

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

સમગ્ર વિશ્વમાં સુરતના હીરા ઉદ્યોગનો ડંકો વાગી રહ્યો છે ત્યારે હવે સુરત શહેરમાં તૈયાર થઇ રહેલા ડાયમંડ બુર્સમાં ઓફીસ ખરીદવા માટે વિશ્વના અગ્રણી હીરા ઉદ્યોગકારો દ્વારા રસ દાખવવામાં આવી રહ્યો છે. તાજેતરમાં જ દુબઇ ખાતે આયોજીત ગુજરાત રાજ્યમાં ઇન્વેસ્ટમેન્ટ અંગેની તકો વિશેના સેમિનારમાં દુબઇના અગ્રગણ્ય હીરાના વેપારીઓએ સુરત ડાયમંડ બુર્સમાં ઓફીસ ખરીદવા માટે તૈયારી દર્શાવી હોવાનું જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલના રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું.

સુરત શહેરના  ખજોદ ખાતે તૈયાર થઇ રહેલા અદ્યતન  હીરા બુર્સનું ઉદઘાટન થાય એ પહેલાં જ ઓફિસોના ભાવમાં 80 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. કેમ્પસમાં કુલ 4200 ઓફિસ બનાવવામાં આવી છે. જોકે મુંબઈ હીરાબુર્સ પ્રોજેક્ટ 10 વર્ષે પૂર્ણ થઈ શક્યો હોવાથી સુરત માટે પણ એવી જ ધારણા હતી. એની સામે 2017માં શરૂ થયેલો આ પ્રોજેક્ટ કોરોનાકાળ વચ્ચે પણ સમયસર 3 વર્ષમાં તૈયાર થઈ જતાં વેપારીઓનો વિશ્વાસ વધ્યો છે. બીજી તરફ, મુંબઈ હીરા બુર્સમાં 2500 ઓફિસ છે, જેમાંથી અડધી સુરતના વેપારીઓની છે. મુંબઈનો હીરા ઉદ્યોગ સુરતમાં શિફ્ટ થઈ રહ્યો હોવાથી રહી ગયેલા વેપારીઓ હવે જોર લગાવી રહ્યા છે. ડાયમંડ બુર્સના સીઈઓ મહેશ ગઢવીએ જણાવ્યું હતું કે ‘400 જેટલા લોકોએ ઓફિસ ખરીદવા અરજીઓ કરી છે. બીજી તરફ, દુબઈના 10થી વધુ રોકાણકારો સુરત બુર્સમાં ઓફિસ ખરીદવા આગળ આવ્યા છે.

દુબઇમાં ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી વિષય પર યોજાયેલી કોન્ફરન્સમાં આ વેપારીઓએ તૈયારી દાખવી છે. જીજેઈપીસીના ચેરમેન દિનેશ નાવડીયાએ જણાવ્યું કે, પ્રેઝન્ટેશન બાદ દુબઇના સ્થાનિક ઉદ્યોગપતિઓ ઉપરાંત વિશ્વભરના ઉદ્યોગ સમૂહોના બિઝનેસ ટાયકૂન્સે સુરત બુર્સમાં ઓફિસ ખરીદવા તૈયારી દાખવી હતી. સુરત બુર્સનું કામ શરૂ થાય તે પહેલાં કમિટીએ લોકો પાસે અરજી મંગાવી હતી. જેમાં 10 હજાર લોકોએ રસ દાખવ્યો હતો. જો કે, ટોકન રકમ આપવા માત્ર 4500 હીરાઉદ્યોગકારો જ આગળ આવ્યા હતા. એટલા માટે ડાયમંડ બુર્સ કમિટીએ માત્ર 4200 ઓફિસોનું જ આયોજન કરી કન્સ્ટ્રકશન શરૂ કર્યું હતું. ડાયમંડ બુર્સના ડિરેક્ટર મથુર સવાણીએ કહ્યું હતું કે, ‘હીરા બુર્સમાં 4200 ઓફિસો છે. જે તમામ સેલ થઈ ગઈ છે. હવે જેમણે ખરીદવી છે તે ડાયરેક્ટ હીરા વેપારી પાસેથી જ રિ-સેલમાં ખરીદી શકે છે. થોડા દિવસ પહેલા જ ડાયમંડ બુર્સમાંની એક ઓફિસ 14500 રૂપિયા પ્રતિ સ્ક્વેર ફૂટના ભાવે વેચાઈ હતી.’
9 બિલ્ડિંગ ધરાવતા સુરત બુર્સમાં પ્રત્યેક બિલ્ડિંગના 14 માળ છે. જેમાં અલગ અલગ સાઈઝની 4200 ઓફિસ છે. વેપારીઓ નીચેના માળે ઓફિસ વધુ પસંદ છે. કારણ કે, ગ્રાહકો સૌથી પહેલા નીચેના માળની ઓફિસોમાં આવે છે. આમ તો બધી જ ઓફિસોના ભાવ પ્રિમિયમ છે પરંતુ 1થી 4 માળના ભાવ 35 ટકા સુધી પ્રિમિયમ છે. બુર્સની ઓફિસો શરૂઆતમાં સરેરાશ 8 હજાર રૂપિયે સ્ક્વેર ફૂટના ભાવે વેચાઈ હતી. જોકે, કન્સ્ટ્રક્શન પૂર્ણ થાય તે પહેલાં જ તમામ ઓફિસો વેચાઈ ગઈ હતી. હવે લોકો વધારે રૂપિયા આપવા માટે તૈયાર થતાં હાલમાં ભાવ 10 હજારને પાર થઈ ગયો છે. અમુક પ્રાઈમ લોકેશનની ઓફિસો 12000થી વધુમાં પણ વેચાઈ રહી છે. સુરત ડાયમંડ બુર્સનો પ્રથમ ફેસ ટુંક સમયમાં શરૂ થવા જઇ રહ્યો છે જેને લઇને હીરા ઉદ્યોગકારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.