Page Views: 8071

સુરતમાં લિવર ટ્રાન્સપ્લાન્ટની સૌપ્રથમ ઘટના, વલસાડની શિક્ષિકાના અંગદાનના પગલે અન્ય પાંચ લોકોને નવજીવન મળ્યું

પરિણીતાનું લિવર સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને સમાજ સેવકના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું 

સુરત,વર્તમાનન્યુઝ.કોમ
વલસાડ ખાતે અકસ્માતમાં બ્રેઇનડેડ થયેલા યોગ શિક્ષિકાને સુરતમાં સારવાર વેળા બ્રેઇનડેડ જાહેર કરાતા પરિવાર દ્વારા તેણીનો અંગોનું દાન કરવામાં આવ્યું છે. જો કે યોગ શિક્ષિકાના અંગોના દાનના પગલે તેણીનું લિવર સુરતમાં પ્રથમવાર સુરતના ઉદ્યોગપતિ અને સમાજસેવકમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. 
પ્રાપ્ત વિગતો મુજબ વલસાડના માણેક બાગ ખાતે રહેતા યોગ શિક્ષિકા 40 વર્ષીય રંજનબેન પ્રવિણભાઇ ચાવડા ગત 30 સપ્ટેમ્બરના રોજ સવારે તેમના ઘરેથી તેમના બેન તનુજાને ત્યાં મોપેડ પર જવા માટે નીકળ્યા હતા. ત્યારે જ વલસાડ ધરમપુર ચોકડી પાસે એસ.ટી વર્કશોપની સામે એક અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા રંજનબેન મોપેડ પરથી નીચે પડી ગયા હતા અને તેમને માથામાં ગંભીર ઈજા થવાથી વલસાડની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઇન હેમરેજની સાથે સાથે મગજમાં લોહીનો ગઠ્ઠો, સોજો તથા ફ્રેકચર હોવાનું બહાર આવ્યું હતું. જયાં પરિવારે ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાવ્યા બાદ વધુ સારવાર માટે સુરતની ખાનીગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટર દ્વારા ક્રેનીઓટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દુર કર્યો હતો. પરંતુ ગત રોજ એપલ હોસ્પિટલના ડોક્ટરોએ રંજનબેનને બ્રેનડેડ જાહેર કરી હતી. જેની જાણ ડોનેટ લાઈફની ટીમને થતા તેઓ પણ હોસ્પિટલ પહોંચી રંજનબેનના પરિવારજનોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી. શોટો દ્વારા લિવર સુરતની કિરણ હોસ્પિટલને જ્યારે એક કિડની અમદાવાદની ઈન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસિઝ એન્ડ રિસર્ચ સેન્ટરને અને બીજી કિડની વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલને ફાળવવામાં આવી હતા.
દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની કિરણ હોસ્પિટલમાં શહેરના જાણીતા ઉદ્યોગપતિ અને સમાજ સેવકમાં કરવામાં આવ્યું છે. જયારે દાનમાં મેળવવામાં આવેલી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની આઇકેડીઆરસીમાં રાજકોટની રહેવાસી 40 વર્ષીય મહિલામાં અને બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં આણંદની રહેવાસી 45 વર્ષીય મહિલામાં કરવામાં આવ્યું છે. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુબેંકને કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં સુરતથી ડોનેટ લાઈફ દ્વારા બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાન કરાવવાની આ છઠ્ઠી ઘટના છે જેના થકી 30 વ્યક્તિઓને નવું જીવન મળ્યું છે.