Page Views: 4081

સાયબર ક્રાઇમ કેસના ઝડપી ન્યાય માટે આવતી કાલે મહત્વનો સેમિનાર

જિલ્લા મુખ્યન્યાયાધીશ વી કે વ્યાસ સહિત મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલા સહિતના કાયદાના નિષ્ણાંતો માર્ગદર્શન આપશે -સાયબર ક્રાઇમ કેસના ઝડપી ન્યાય માટે આવતી કાલે મહત્વનો સેમિનાર

સુરત-(કિરીટ ત્રિવેદી દ્વારા-9173532179)

સમગ્ર દેશમાં સાયબર ક્રાઇમમાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. ત્યારે સાયબર ક્રાઇમના કેસમાં ન્યાયીક પ્રક્રિયા ઝડપી બને અને પોલીસ વિભાગ સાથે સંકલન સાધી શકાય તે માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન સુરત શહેરમાં કરવામાં આવ્યુ છે. આ અંગે વિગતો આપતા સુરતના મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે, આવતી કાલે તા.2જી ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે સવારે નવ વાગ્યાના સુમારે સુરત શહેરના સિટી લાઇટ રોડ સ્થિત જી ડી ગોયેન્કા સ્કૂલના ઓડીટોરીયમ ખાતે કાયદા અને ગૃહ વિભાગ તેમજ ડાયરેક્ટર ઓફ પ્રેસીક્યુશન તથા પોલીસ કમિશનર અને જિલ્લા સરકારી વકીલ દ્વારા સાયબર ક્રાઇમ કેસના ઝડપી અને સચોટ ન્યાય તેમજ નિકાલ અંગે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં સુરત જિલ્લાના તમામ સરકારી વકીલો તથા શહેરના તમામ પોલીસ ઇન્સ્પેક્ટરથી લઇને પોલીસ કમિશનર સુધીના તમામ અધિકારીઓ માટેના સાયબર ક્રાઇમ અંગેના આ કાર્યક્રમમાં વિશદ માર્ગદર્શન આપવામાં આવશે.

વધુમાં આ કાર્યક્રમનો ઉદેશ પોલીસ અને પ્રોસીક્યુશનને પુરતી કાયદાકિય માહિતી મળી રહે તે અંગેનો છે તેમજ રાજ્યભરમાં એક સાથે એક જ સમયે અલગ અલગ જિલ્લામાં આ પ્રકારના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. ઇતિહાસમાં પ્રથમ વખત સમગ્ર રાજ્યમાં આ પ્રકારનો કાર્યક્રમ યોજાશે.