Page Views: 18991

સુરતમાં એક જ એપાર્ટમેન્ટમાંથી કોરોનાના 9 કેસ મળથા ખળભળાટ

પાલિકાએ એક કેમ્પસમાં આવેલા બિલ્ડીંગના લોકોને ક્વોરન્ટાઇનમાં રહેવા સાથે પોઝીટીવ લોકોના સંપર્કમાં આવનારાના રેપીડ ટેસ્ટ કર્યા- બે ગાર્ડ નો બંદોબસ્ત મુકવામાં આવ્યો

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

રાજ્યમાં કોરોનાના કેસ કંટ્રોલ થઇ રહ્યા છે અને બીજી લહેર લગભગ ખતમ થઇ જવા આવી છે ત્યારે સુરત શહેરના અઠવા લાઇન્સ ખાતે આવેલા મેઘ મયુર એપાર્ટમેન્ટમાં એક સાથે કોરોનાના નવ દર્દીઓ નોંધાતા આરોગ્ય વિભાગના અધિકારીઓ દોડતા થયા છે. મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આ એપાર્ટમેન્ટના ગેટને સીલ કરી દેવામાં આવ્યો છે. તેમજ પાલિકાના બે સિક્યુરીટી ગાર્ડને રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવ્યા છે. પાલિકા કમિશનર બંછાનીધી પાનીએ પણ આ એપાર્ટમેન્ટની મુલાકાત લઇને સમગ્ર વિસ્તારનો અભ્યાસ કર્યો હતો. તેમજ જે લોકો પોઝીટીવ આવ્યા છે તેમના સંપર્કમાં આવેલા લોકોને તાકીદે રેપીડ ટેસ્ટ કરાવી લેવા માટે અપીલ કરી હતી. પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા એપાર્ટમેન્ટના રહીશોના કોરોના ટેસ્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથો સાથ સ્થાનિક લોકોને પણ જેમણે વેક્સિનના બે ડોઝ લીધા ન હોય એવા લોકોને પણ કોરોનાના ટેસ્ટ કરાવી લેવા માટે જાણ કરવામાં આવી છે. બિલ્ડીંગમાં બહારથી આવતા લોકો માટે પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે અને લોકોને પણ શક્ય હોય ત્યાં સુધી ઘરની બહાર નહીં નીકળવા તાકીદ કરવામાં આવી છે.