Page Views: 4463

વોટ્સએપ પર તલાક આપનાર દંપત્તિ મિડીએશન સેન્ટરની મધ્યસ્થીમાં એક થયું

શરિયત પ્રમાણે હલાલાનો પ્રશ્ન વિલન બને તેમ હતો પરંતુ તેમાં પણ પતિએ સોગંદનામું આપતા પ્રશ્નનું નિરાકરણ સરળતાથી આવ્યુ

સુરત - વર્તમાનન્યૂઝ.કોમ

સુરત શહેરના ઉધના ખાતે રહેતા સોયેબ (નામ બદલેલ છે) ના લગ્ન સૈયદપુરા ખાતે રહેતી સના (નામ બદલેલ છે) સાથે મુસ્લિમ શરિયત મુજબ તા. ૭-૫-૨૦૧૬ ના રોજ થયા હતા. જેમાં તેમને સંતાનમાં એક પુત્રી (ઉ.વ. ૩)નો જન્મ થયો હતો. શરૂઆતમાં સારી રીતે રહ્યા બાદ બંને વચ્ચે ખટરાગ શરૂ થયો હતો અને સના પતિનું ઘર છોડી પિયર જતી રહી હતી. જ્યાંથી તેણીએ એડવોકેટ અશ્વિન જોગડિયા મારફતે પતિ સામે ભરણપોષણ તથા દહેજ સંબંધિત કેસો કર્યા હતા. બીજી બાજુ પતિ તરફે એડવોકેટ હિરલ પાનવાલાએ વાલી અરજી અને લગ્ન પુનઃ સ્થાપનનો કેસ કર્યો હતો. આ વચ્ચે પતિએ માબાઇલમાં વોટ્સએપ મેસેજ મારફત પત્નીને 'તલાક' આપ્યા હોવા સંબધિત આક્ષેપ પણ થયો હતો. 

બાદમાં તમામ કેસો ચાલવા ઉપર આવ્યા હતા. જ્યાં કોર્ટની તારીખોમાં બંને પતિ-પત્નીની મુલાકાત થવા લાગી હતી અને બંને વચ્ચે સમાધાનની શકયતા દેખાતા કામ સુરત મીડિએશન સેન્ટરમાં મોકલવામાં આવ્યું હતું. જ્યાં મીડિએટર નીતાબેન પટેલ અને એડવોકેટ પાનવાલા તથા અશ્વિન જોગડિયાના પ્રયાસોથી બંને ફરીથી ઘરસંસાર શરૂ કરવા સહમત થયા હતા. જો કે આ વચ્ચે 'તલાક' નો મુદ્દો વિલન બન્યો હતો. કારણ કે મુસ્લિમ કાયદા મુજબ જો પતિ-પત્ની વચ્ચે એકવાર તલાક થઈ જાય તો પુનઃ લગ્ન માટે પત્નીએ 'હલાલા' ની પ્રક્રિયામાંથી પસાર થવું પડે. આ સંજોગોમાં બંનેના માથે સંકટ આવ્યું હતું. જો કે ત્રિપલ તલાક ખરેખર આપ્યા છે કે નહિ? તે અંગે તપાસ કરતા પતિએ કહ્યું હતું કે, તેણે મોબાઈલમાં વોટ્સએપ મારફત કોઈ તલાક આપ્યા નથી. જે અંગે પતિ સોયેબે લેખિતમાં સોગંદનામુ પણ કરી આપ્યું હતું. 

આમ 'હલાલા'ની અડચણ દૂર થઈ હતી અને મીડિએટર નીતાબેન તથા બંને પક્ષના વકીલોના પ્રયત્નોથી આ દંપતીનો માળો ફરી બંધાઇ ગયો હતો. આજે આ દંપતી તમામ કેસો પરત ખેંચી સાથે રહે છે અને નાની બાળકીને માતા-પિતા બંનેની છત્રછાયા પણ મળી રહી છે.

તલાક થઈ ગયા બાદ  પત્નીએ 'હલાલા' ની પ્રક્રિયામાંથી પસાર થવું પડે!

એડવોકેટ અશ્વિન જોગડિયાએ જણાવ્યું હતું કે, મુસ્લિમ લો (મહંમદન લો) ના  પ્રકરણ નવમાં છૂટાછેડા (તલાક) અને પુનઃ લગ્ન બાબતે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને પુનઃ લગ્ન બાબતે જણાવવામાં આવ્યું છે કે, જ્યારે તલાક - લગ્ન વિચ્છેદ કાયદેસર થયેલ હોય અને અખંડનીય બને ત્યારે જો આવા પક્ષકારોએ પુનઃ લગ્ન કરવા હોય તો તલાક પામેલ પત્નીએ ઇદતની મુદત કાયદા અનુસાર પસાર કરવી પડે. આ મુદત પસાર થયા બાદ તેવી સ્ત્રીએ બીજા પુરુષ સાથે લગ્ન કરી તેવા લગ્નને સંભોગથી પરિપૂર્ણ કરવા પડે, અને ત્યારબાદ બીજીવારના પતિ તેણીને રાજીખુશીથી તલાક આપે પછી તેણી તલાકની ઇદતની મુદ્દત કર્યા બાદ જ પ્રથમવારના પતિ સાથે પુનઃ લગ્ન કરી શકે છે. આ પક્રિયાને 'હલાલા' કહેવાય છે. પુનઃ લગ્ન માટેની આ પ્રક્રિયા લગ્નના બન્ને પક્ષકારોને એક પાઠ શીખવાડવા માટેની અપમાન જનક છે. જેથી કોઈ લગ્નના પક્ષકારો તલાકનો આશરો લેતા યોગ્ય પરિણામોની વિચારણા કરી શકે.