Page Views: 645

ઇસીજીસી દ્વારા દક્ષિણ ગુજરાતના નાના નિકાસકારોને પણ માલની સામે ઇન્સ્યુરન્સ અપાશે : ઇસીજીસીના સીએમડી સેન્થીલનાથન

ચેમ્બર દ્વારા નિકાસકારો તથા ઇસીજીસીના સીએમડી સાથે મિટીંગ યોજાઇ

સુરત.વર્તમાનન્યૂઝ.કોમ

 ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શુક્રવાર, તા. ર૪ સપ્ટેમ્બર, ર૦ર૧ના રોજ સાંજે ૪:૦૦ કલાકે સમૃદ્ધિ, સરસાણા, સુરત ખાતે એકસપોર્ટ ક્રેડીટ ગેરંટી કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ચીફ મેનેજિંગ ડિરેકટર સેન્થીલનાથન સાથે મિટીંગ યોજાઇ હતી. જેમાં સુરતના નિર્યાતકારો પણ ઉપસ્થિત રહયા હતા. ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ સર્વેને આવકારી જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં નાનાથી લઇને મોટા મેન્યુફેકચરર્સ વિદેશોમાં તેમની પ્રોડકટને એકસપોર્ટ કરે છે. ઘણા ફ્રેશર્સ પણ હવે એકસપોર્ટની દિશામાં આગળ વધી રહયા છે ત્યારે તેઓને પણ એકસપોર્ટ થનારા માલની સામે ઇન્સ્યુરન્સ આપવા માટે તેમણે ઇસીજીસીના સીએમડી સેન્થીલનાથનને અનુરોધ કર્યો હતો. ચેમ્બરના ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં ઉદ્યોગકારોએ લેટેસ્ટ મશીનરીઓ સ્થાપિત કરી છે. આ ઇન્ડસ્ટ્રીમાં યુવા ઉદ્યોગકારો પણ ઝંપલાવી રહયા છે ત્યારે ઇપીસીજી દ્વારા તેઓને પણ ઇન્સ્યુરન્સ આપવામાં આવશે તો વિદેશોમાં નિર્યાત વધારી શકાશે. ઇસીજીસીના સીએમડી સેન્થીલનાથને જણાવ્યું હતું કે, એકસપોર્ટ ક્રેડીટ ગેરંટી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (ઇપીસીજી) દ્વારા ભારતના નિકાસકારોને નિકાસ ધિરાણ વીમા સહાય પૂરી પાડવામાં આવે છે. જેમાં એકસપોર્ટર અને બાયર્સનું ટર્નઓવર વિગેરે બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. ઇપીસીજી રિસ્ક લઇને પણ એક વખત બિઝનેસ માટે નાના ઉદ્યોગકારો તથા એકસપોર્ટર્સને પ્રમોટ કરવા માટે પ્રયાસ કરે છે. સુરતમાં પણ જે વિવિધ ઇન્ડસ્ટ્રી બિઝનેસ કરે છે તેઓનું એકસપોર્ટ વધે તે માટે પણ ઇપીસીજી દ્વારા ક્રેડીટ ગેરંટી ઉપર નિકાસકારોના માલની સામે ઇન્સ્યુરન્સ આપશે. જે દેશમાં માલ નિર્યાત કરાશે તે દેશની રેટીંગ અને કેટલા દિવસ માટે માલ અપાશે તેના કેટલાક ક્રાઇટેરીયાને આધારે ફ્રેશર્સને પણ ઇન્સ્યુરન્સ આપવામાં આવશે. વધુમાં તેમણે કહયું કે, ભવિષ્યમાં ચેમ્બરની સાથે મળીને ઉદ્યોગકારો અને નિકાસકારોને અવેર કરવા માટે કોન્ફરન્સ અથવા સેમિનારોનું પણ આયોજન કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, રાષ્ટ્રની અર્થ વ્યવસ્થામાં આયાત–નિકાસ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. તેનાથી વિદેશના સારા અને સસ્તા ઉત્પાદનો આપણા ભારત દેશમાં આવે છે અને આપણા સારા ઉત્પાદનો વિદેશના બજારોમાં વેચી શકાય છે. નિકાસથી દેશને કિંમતી વિદેશી હુંડીયામણ મળે છે. નિકાસને વેગ આપવા માટે ભારત સરકારે વિદેશ વ્યાપાર – નિતિ હેઠળ નિકાસ કાર્યવાહી સરળ બનાવવા ઉપરાંત નિકાસકારો માટે શ્રેણીબદ્ધ પ્રોત્સાહક યોજનાઓ પણ જાહેર કરેલી છે.