Page Views: 9469

મધરાતથી સુરતના વરાછામાં ધોધમાર પાંચ ઇંચ વરસાદ ખાબક્યો- સરથાણામાં વીજળી પડી

કતારગામમાં અઢી ઇંચ, લિંબાયતમાં ત્રણ ઇંચ અને ઉધનામાં સવા બે ઇંચ વરસાદ-

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

સુરત શહેરમાં ગઇ મધરાત બાદ કડાકા ભડાકા સાથે તોફાની વરસાદ શરૂ થયો છે. ખાસ કરીને સુરત શહેરના વરાછા એ ઝોન અને બી ઝોન વિસ્તારમાં મધરાત બાદથી સતત ભારે વરસાદ પડવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વરાછા ઝોનમાં આજે બપોર સુધીમાં 124 મી.મી. એટલે કે અંદાજે પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. વહેલી સવારે છ વાગ્યાના અરસામાં સરથાણા વિસ્તારમાં આવેલી એક પંચરની દુકાન પર વીજળી પડી હતી જેના કારણે દુકાનમાં આગ લાગી ગઇ હતી. સ્થાનિક લોકોએ ફાયર વિભાગને જાણ કરતા લાશ્કરોએ તુરંત ઘટનાસ્થળ પર દોડી જઇ આગને કાબુમાં લીધી હતી. સુરત શહેરના લિંબાયત ઝોન વિસ્તારમાં 76 મી.મી એટલે કે અંદાજે ત્રણ ઇંચ, જ્યારે કતારગામ ઝોનમાં 64 મી મી એટલે કે અઢી ઇંચ જ્યારે ઉધનામાં 61,મી,મી સવા બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સિવાય શહેરના સેન્ટ્રલ ઝનમાં 21 મીમી, રાંદેર ઝોનમાં 14 મીમી અને અઠવા ઝોનમાં 35 મીમી એટલે કે સવા ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આજે સવારથી જ શહેરમાં વરસાદી ઝાપટાનો દૌર ચાલુ છે અને ક્યારેક ધોધમાર તો ક્યારેક ઝાપટા સ્વરૂપે વરસાદ પડી રહ્યો છે.