Page Views: 7175

ઉકાઇ ડેમમાંથી એક લાખ ક્યુસેક પાણી છોડાતા તાપી બે કાંઠે વહેતી થઇ- કોઝવે ઓવર ફ્લો

સાંજે ઉકાઇમાં ઇન ફ્લો 1.28 લાખ ક્યુસેક – રૂલ લેવલ જાળવવા તંત્રની કવાયત

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશમાં પડી રહેલા ધોધમાર વરસાદને પગલે ઉકાઇ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે. ઉકાઇના કેચમેન્ટ એરિયામાં પડેલા વરસાદને કારણે હાલ ડેમમાં એક લાખ 28 હજાર ક્યુસેક પાણી ઠલવાઇ રહ્યુ છે જેની સામે ડેમમાંથી અંદાજે એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. જેના પગલે સુરતમાં તાપી નદી બે કાંઠે વહેતી થઇ છે અને સિંગણપોર કોઝવે ઓવર ફલો થઇ જતા વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો છે. ઉકાઇ ડેમમાંથી સતત પાણી છોડાતું હોવાથી સુરત અને તાપી જિલ્લાના જળાશયો પાણીથી છલકાઈ ગયા છે. બે વર્ષ ચાલે તેટલો પાણીનો સંગ્રહ થયા બાદ હવે વહીવટીતંત્ર કોઈ પણ પ્રકારનું જોખમ લેવા તૈયાર નથી અને તેને કારણે જ હવે વહીવટી તંત્ર દ્વારા ઉકાઈ ડેમનું રૂલલેવલ કરતાં વધારે પાણીનો સંગ્રહ ન કરવાનું હોય તેવી રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમ ની અંદર પાણીની આવકમાં ફરી વધારો થાય તો ચિંતાજનક સ્થિતિ સર્જાઈ શકે છે અને તેને ધ્યાનમાં રાખીને જ વહીવટી તંત્ર દ્વારા પાણીની આવક 28 હજાર ક્યુસેક હોવા છતાં પણ એક લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે જેને કારણે ઉકાઈ ડેમની જળ સપાટી મેઈન્ટેન રાખી શકાય.