Page Views: 20457

રૂપાણીને નિષ્ફળ સાબિત કરવા જતા નીતિન પટેલનું રાજકારણ પુરૂ થઇ ગયું

સત્તા સુંદરી ક્યારેય કોઇની થઇ નથી અને થવાની નથી એ વાત ભાજપના ફસ્ટ કેડરના નેતાઓ સમજશે કે કેમ એ સવાલ

વર્તમાનન્યૂઝ.કોમ- (કિરીટ ત્રિવેદી-91735 32179)

રાજકારણમાં એક વણ લખ્યો નિયમ છે અગર તેરા જીન્દા રહેને સે મેં મર જાતા હુ તો તું મરજા...અથવા તો હું તો મરૂ પણ તને રાંડ કરૂ... છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત ભાજપમાં આ ખેલ ચાલતો હતો. આનંદી બેન પટેલને મુખ્યમંત્રી પદ પરથી હટાવવામાં આવ્યા ત્યારથી સી એમ ઇન વેઇટીંગ રહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો એક મુદાનો કાર્યક્રમ હતો કે, સાલસ સ્વભાવના વિજય રૂપાણીને કઇ રીતે નિષ્ફળ સાબિત કરવા અને તેમનું નીચું દેખાય એવા સતત પ્રયત્ન કરવા, આ પ્રયાસોમાં જ નીતિન પટેલે પોતાની પાસેના ત્રણ મહત્વના ખાતાઓ નાયબ મુખ્યમંત્રી પદ ઉપરાંત પી ડબ્લ્યુ ડી , આરોગ્ય અને નાણા મંત્રાલયમાં બુચ મારી દીધા હતા. રાજ્યની જાહેર સેવાઓની ગ્રાન્ટ રિલિઝ કરવામાં જે તે વિભાગને નવ નેજે પાણી ઉતરે ત્યારે ગ્રાન્ટ રિલિઝ થતી હતી. તો આરોગ્યની સેવાઓનું સ્તર કેટલી હદે નીચે સુધી પહોંચ્યુ છે હાલમાં તેના પુરાવાઓ કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં જોવા મળે છે. પી ડબ્લ્યુ ડી ની વાત કરીએ તો જાહેર બાંધકામમાં રાજ્યના રોડ રસ્તાના કામોની ઘોર ખોદાઇ ગઇ ત્યાં સુધી ઇરાદા પૂર્વક કામો થવા દેવામાં આવ્યા નથી. બીજી તરફ વિજય રૂપાણી દ્વારા જે કોઇ નિર્ણય કરવામાં આવતા હતા તેની સામે છુપો વિરોધ હોવાથી નીતિન પટેલ દ્વારા એ કામની મંજૂરીમાં આંખ આડા કાન કરવામાં આવતા હતા જે વાત ખુદ ભાજપના જ અગ્રણી કાર્યકરો સ્વિકારી રહ્યા છે.

કોઇ પણ ભોગે વિજય રૂપાણીને નિષ્ફળ સાબિત કરી અને મુખ્યમંત્રી પદ પર આરૂઢ થવાના સ્વપ્ન જોઇ રહેલા નીતિન પટેલ હવે ક્યારે મુખ્યમંત્રી બનવાનું સ્વપ્ન પુર્ણ કરી શકશે એ સવાલ હવે કાળના ગર્ભમાં જતો રહ્યો છે. હાલના તબક્કે એટલુ ચોક્કસ કહી શકાય કે હવે નીતિન પટેલનું રાજકારણ એટ લિસ્ટ ગુજરાત પુરતુ તો પૂરૂ થઇ ગયું છે. રાજકારણમાં સત્તા સુંદરી ક્યારેય કોઇની થઇ નથી અને થવાની નથી આ વાત રાક્ષસી બહુમતીના જોરે સત્તા પર આવેલા ભાજપના નેતાઓની શિર્ષસ્થ નેતાગીરીએ સમજી લેવાની આવશ્યકતા છે. બાકી ઘર ફુટે ઘર જાય અને ઘરનો બળ્યો ગામ બાળે આ બધી કહેવતો હાલમાં ગુજરાત ભાજપના વેઇટીંગ ઇન સી એમ માટે બંધ બેસતી જ છે એવુ તમને નથી લાગતું....