Page Views: 4480

ચેમ્બર દ્વારા ‘રોડ અહેડ ફોર રોડટેપ એન્ડ મુવર’સ્કીમ વિશે ઉદ્યોગકારોને માર્ગદર્શન

મુવર સ્કીમ અંતર્ગત ઉત્પાદકોને ઇન્ટરેસ્ટ ફ્રી સ્ટોરેજની સુવિધા મળે છે. જ્યાં સુધી ઉત્પાદન નહીં થાય ત્યાં સુધી વેર હાઉસમાં માલ રાખી શકાય, જે વર્કીંગ કેપીટલની બચત કરે છે

સુરત. વર્તમાનન્યૂઝ.કોમ

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા મંગળવાર, તા. ૭ સપ્ટેમ્બર, ર૦ર૧ના રોજ સાંજે ૪:૦૦ કલાકે ‘રોડ અહેડ ફોર રોડટેપ એન્ડ મુવર’વિષય ઉપર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાત વકતા તરીકે અમદાવાદના એલ એન્ડ એસ એટોર્નીજના જોઇન્ટ પાર્ટનર એડવોકેટ મનિષ જૈને મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું. એડવોકેટ મનિષ જૈને જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા વડાપ્રધાનના મેક ઇન ઇન્ડિયાના વિઝન હેઠળ મેન્યુફેકચરીંગ ફેસિલીટીને વેગ આપવા માટે મુવર સ્કીમ લાવવામાં આવી છે. વિદેશી રોકાણ ભારતમાં આવે અને દેશના ઉદ્યોગ સાહસિકો પણ ઉત્પાદન પ્રક્રિયામાં ઝંપલાવે તે હેતુથી આ સ્કીમને ર૦૧૯થી અમલી કરવામાં આવી છે. આ સ્કીમ અંતર્ગત ઉત્પાદકોને વેર હાઉસમાંથી માલ એકસપોર્ટ કરે ત્યારે કસ્ટમ ડયૂટી ભરવાની રહેતી નથી.આ ઉપરાંત ઉત્પાદકોને ઇન્ટરેસ્ટ ફ્રી સ્ટોરેજની સુવિધા મળે છે. જ્યાં સુધી ઉત્પાદન નહીં કરો ત્યાં સુધી વેર હાઉસમાં માલ રાખી શકાય, જે વર્કીંગ કેપીટલની બચત કરે છે. પ્રાઇવેટ વેર હાઉસ લાયસન્સીંગ રેગ્યુલેશન ર૦૧૬ની કલમ પ૮ હેઠળ જેમનું વેર હાઉસનું લાયસન્સ મંજૂર કરાયેલું હતું અથવા કલમ પ૮ હેઠળ જેમને વેર હાઉસના લાયસન્સ માટે અરજી કરી હોય તેમજ કલમ ૬પ હેઠળ મેન્યુફેકચરીંગ તથા વેર હાઉસની અન્ય પ્રવૃત્તિઓ માટે પરમીશન માંગી હોય તેઓ આ સ્કીમનો લાભ લઇ શકે છે. 

રોડટેપ એટલે કે રેમીશન ઓફ ડયૂટી ટેક્ષીસ ઓન એકસપોર્ટ પ્રોડકટ સ્કીમમાં એકસપોર્ટર દ્વારા ટેકસ અને ડયૂટી અંગે ખર્ચ થયો હોય જેવા કે લોકલ ટેકસ, ટોલ ટેકસ, સેન્ટ્રલ અને સ્ટેટ ટેકસ ઓન ફયૂલ, પેટ્રોલ, ડિઝલ, સીએનજી વિગેરેના નિકાસ ઉત્પાદનમાં પરિવહન કરવામાં આવ્યું હોય, નિકાસ ઉત્પાદન માટે ઇલેકટ્રીસિટી ઉપર રાજ્ય દ્વારા ડયૂટી લેવામાં આવી હોય, એપીએમસી દ્વારા મંડી ટેકસ ઉઘરાવવામાં આવ્યો હોય, ઇમ્પોર્ટ / એકસપોર્ટ ડોકયુમેન્ટેશન વખતે ટોલ ટેકસ અને સ્ટેમ્પ ડયૂટી ઉઘરાવવામાં આવી હોય ઉપરાંત એકસપોર્ટરને ઓપરેશન દ્વારા ડ્રોબેક સ્કીમ, આઇજીએસટી અને અન્ય જીએસટી રીફંડનો પણ લાભ આપવામાં આવે છે. આ સ્કીમ એલીજીબલ એકસપોર્ટર્સને ડયૂટી ક્રેડીટ અથવા ઇલેકટ્રોનિકસ સ્ક્રીપ્ટ જે ઇલેકટ્રોનિકસ લેજરમાં રીબેટ જમા આપવામાં આવે છે. 

ચેમ્બરના ભૂતપૂર્વ માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ચેમ્બરની જીએસટી કમિટીના ચેરમેન મુકુંદ ચૌહાણે વેબિનારનું સંચાલન કર્યું હતું. ધી સધર્ન ગુજરાત ઇન્કમ ટેકસ બાર એસોસીએશનના ઉપપ્રમુખ કુલીન પાઠકે વકતાનો પરિચય આપ્યો હતો. વેબિનારમાં સવાલ – જવાબનું સંચાલન ચેમ્બરની એકાઉન્ટ્‌સ કમિટીના કો–ચેરમેન દીપેશ શાકવાલાએ કર્યું હતું. અંતે ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેકસ કન્સલ્ટન્ટના પ્રમુખ કાર્તિકેય શાહે સર્વેનો આભાર માની વેબિનારનું સમાપન કર્યું હતું.