Page Views: 5474

ઉકાઇ ડેમમાં બપોરે 1.36 લાખ ક્યુસેક પાણીની આવક- 22 હજાર ક્યુસેક પાણી છોડવાની શરૂઆત

ડેમમાં પીવા માટે અને ખેતીનું પાણી પુરતા પ્રમાણમાં જમા થતા તંત્રને હાંશકારો

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

ચોમાસા દરમ્યાન ઓછી પાણીની આવક રહેતા તાપી નદી પરના ઉકાઇ ડેમની જળ સપાટીને લઇને તંત્રની ચિંતામાં વધારો થયો હતો. જો કે, વિતેલા એક સપ્તાહમાં ઉકાઇ ડેમના ઉપરવાસના વિસ્તારોમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાને કારણે ઉકાઇ ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે બપોર સુધીમાં ઉકાઈ ડેમની સપાટી 339.149 ફૂટ નોંધાઇ છે. ઉકાઈ ડેમમાં પાણીની આવક 1,33,610 ક્યુસેક છે. ઉપરવાસમાં થતા વરસાદના કારણે ઉકાઈ ડેમમાં છેલ્લા ચાર દિવસથી પાણીની આવક નોંધનીય રીતે વધી રહી છે. જેથી છેલ્લા ચાર દિવસમાં 6 ફૂટ સપાટી વધી છે. જ્યારે 345 ફૂટની ઉકાઈ ડેમની સપાટીથી માત્ર 6 ફૂટ જ દૂર છે. જેથી તંત્ર દ્વારા ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બપોરે 1 વાગ્યા બાદ 22 હજાર ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે અને સ્થિતિ પ્રમાણે 1 લાખ ક્યુસેક પાણી સુધી છોડવાની તૈયારી કરવામાં આવી છે. ઉકાઈ ડેમમાં શરૂઆતના ચોમાસા દરમિયાન પાણીની આવક ઓછી હોવાથી ખેડૂતો પણ ચિંતામાં હતા. વરસાદ વિલંબથી આવવાના કારણે ઘણે અંશે લોકોને પીવાનું પાણી, ખેતી અને ઉદ્યોગો માટે મળી રહેશે કે કેમ તે પ્રશ્ન હતો. પરંતુ હવે જે રીતે ઉકાઈ ડેમની અંદર પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે અને ડેમની સપાટી વધી રહી છે તે જોતા હવે મુશ્કેલી રહેશે નહીં. ખેડૂતો માટે સૌથી મોટા રાહતના સમાચાર છે કે હવે સિંચાઈ માટેના પાણીની કોઈ મુશ્કેલી નહીં રહે.