Page Views: 3488

પાંડેસરા-બમરોલી રોડ પર ખાડામાં પડેલી ગાયને બહાર કાઢવા માટે રેસ્કયુ કરાયુ

ગણેશ ભક્તો અને ફાયરના લશકરોએ ખાડાની બાજુમાં અન્ય એક નાનો ખાડો ખોદી ગાયને દોરડા વડે બાંધી બહાર કઢાઇ 

સુરતઃ  વર્તમાનન્યુઝ.કોમ 

પાંડેસરા-બમરોલી રોડ પર ત્રણ ફૂટના ખાડામાં પડેલી ગાયને ગણેશ ભક્તો તથા ફાયરના લાશકરોએ રેસ્કયુ કરી મુંગા પક્ષુનો જીવ બચાવ્યો હતો. ગણેશ ભક્તો અને ફાયરના લશકરોએ ખાડાની બાજુમાં અન્ય એક નાનો ખાડો ખોદી ગાયને દોરડા વડે બાંધી બહાર કાઢવામાં આવી હતી. 
સૂરજ ગુપ્તા નામના જીવદયા પ્રેમીએ મીડિયાને જણાવ્યું હતું કે, ગુરુવારે રાત્રે ગણેશ ઉત્સવ નિમિતે મિત્રો સાથે ગણેશ પ્રતિમા લેવા નીકળ્યા હતા. ગણેશની પ્રતિમા લઇને પરત ફરતી વખતે ઢોલ નગારા અને ડીજે પર નાચતી વેળા બમરોલી શાંતિધામ સોસાયટી નજીક એક મુંગા પશુની તડફડવાની આહટ સાંભળી હું દોડી ગયો હતો. રોડ બાજુએ જોયું તો એક ગાય લગભગ સાડા ત્રણ ફૂટના ખાડામાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરતા કરતા ખરાબ રીતે ફસાઈ ગઈ હતી. ખાડામાં પડેલી ગાય આખી કીચડમાં લપેટાયેલી હતી. આ જોઈ તાત્કાલિક શ્રીજીની ઉત્સવ યાત્રામાં નાચતા મિત્રોને દોડીને બોલાવ્યા હતા. 15-20 મિત્રોએ આવીને ગાયને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તમામ નિષ્ફળ રહ્યા હતા. ત્યારબાદ ફાયરને બોલાવતા ભેસ્તાન ફાયરના જવાનો દોડી આવ્યા હતા. લગભગ એક કલાકની જહેમત બાદ ગાયનો રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં સફળ રહ્યા હતા. ત્યારબાદ ગણેશ ઉત્સવ યાત્રા આગળ વધી હતી.
ફાયર ઓફિસર દિનેશ પટેલએ જણાવ્યું હતું કે કોલ મળ્યા બાદ ગણતરીની મિનિટોમાં ટીમ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. બાંધકામ માટે ખોદવામાં આવેલા પાયાના ખાડામાં ગાય પડી ગઈ હતી. ગાયની ઉંચાઈ અને વજન સાથે વરસાદી પાણીમાં ભીની માટીવાળા ખાડામાંથી ગાયને બહાર કાઢવું મુશ્કેલ હતું. એટલે ખાડાની બાજુમાં બીજો એક નાનો ખાડો ખોદી ગાયને દોરડા વડે બાંધી, આગળના પગ ઉપર એટલે કે જમીન પર ચઢાવી પાછળથી ધક્કો મારી ગાય બહાર કાઢવામાં સફળ રહ્યા હતા અને મૃંગા જીવ બચાવવામાં આવ્યો હતો.